ગુજરાત જીએસટી ચોરો માટે સ્વર્ગ બની ગયું છે. જુલાઈ ૨૦૧૭માં જીએસટી અમલમાં આવ્યો ત્યારથી જૂન ૨૦૨૪ સુધીના સાત વર્ષના સમયગાળામાં ગુજરાતમાં રૂ. ૫૨,૩૯૪ કરોડની જંગી જીએસટી ચોરી પકડાઈ છે. આ માટે ગુજરાતમાં જીએસટી ચોરીના કુલ ૧૩,૪૯૪ કેસ નોંધવામાં આવ્યા છે. આ શબ્દો બીજા કોઈના નહીં પણ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના છે. જીએસટી ચોરીની આ રકમ ગુજરાત સરકારના બજેટના ૨૦ ટકા જેટલી થવા જાય છે.
આ ઉપરાંત માનવામાં આવે છે કે આ જ રીતે જીએસટી ચોરી ચાલુ રહી તો ગુજરાતમાં જ જીએસટીના અમલીકરણના દાયકામાં જીએસટી ચોરીનો આંકડો રૂ. એક લાખ કરોડે પહોંચી જાય તો આશ્ર્ચર્ય નહી થાય. જીએસટી ચોરો પર કરવિભાગ ત્રાટક્તા હવે તેઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. અત્યાર સુધી કેસોની સંખ્યા વધારે હતી અને જીએસટી ચોરીની રકમ ઓછી આવતી હતી, પરંતુ હવે મોડસ ઓપરેન્ડી બદલાતા અને સરકાર દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવતા જીએસટી ચોરીનું પ્રમાણ ઘટ્યું છે, પણ ચોરીની સરેરાશ રકમ વધી ગઈ છે. આશ્ર્ચર્યની વાત એ છે કે આટલી મોટી કરચોરીના કિસ્સામાં ફક્ત ૨૧૪ની જ ધરપપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારી તંત્ર દ્વારા બાતમી આધારે જરૂરી તપાસ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવે છે, બેંક ખાતામાં બોગસ લેવડ દેવડ બતાવીને જીએસટી ઇનપુટ ક્રેડિટ મેળવવામાં આવે છે. ખોટા દસ્તાવેજોના આધારે પણ કંપની ઉભી કરીને GST ચોરી કરવામાં આવતી હોય છે. કમસેકમ ગુજરાતના નાણાપ્રધાને તો આ જ દિશામાં વિચારવું રહ્યું કે રાજ્યમાંથી કેમ આટલા મોટાપાયા પર જીએસટીની ચોરી થાય છે. તેની સાથે કેન્દ્ર સરકારે પણ તે વિચારવાની જરૂર છે કે નિયમો વધુ સરળ બનાવવા જોઈએ જેથી કોઈ આ રીતે ચોરી કરવા ન પ્રેરાય. આ ઉપરાંત ઓટોમેશનનો ઉપયોગ વેપારીને હેરાન કરવા માટે ન કરવામાં આવે.