૭ વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે, પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા

ગાંધીનગર, ગુજરાતમાં દર વર્ષે સ્કૂલ શરૂ થતા ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ઉપર પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સ્કૂલ શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે. જો કે આ પહેલા પ્રવાસી શિક્ષકો માટે સારા સમાચાર સામે આવી શકે છે. ગુજરાતમાં ૭ વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે. જે મુજબ પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા છે. પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ માટે TET-TAT ફરજિયાત થશે.

અત્યાર સુધી પ્રવાસી શિક્ષકો માટે PTC અને B.Ed.નો આગ્રહ રખાતો હતો. જો કે પોલિસી બદલાતા હવે TET-TAT પરીક્ષામાં ઉત્તીર્ણ થનારાઓને જ પ્રવાસી શિક્ષકની નિમણૂક અપાશે.મહત્વનું છે કે ધોરણ ૬ થી ૮માં TAT લાગુ થઇ શકે છે.