- દાહોદ જીલ્લામાં બાળક, ધાત્રીમાતા, કિશોરી અને સગર્ભામાં પોષણની ઉણપ ન રહે તે માટે જીલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા કરાતા સતત પ્રયાસો.
- પોષણ અભિયાનમાં બહેનોની બાલ્યાવસ્થાથી લઇને માતા બનવા સુધી કરવામાં આવતી દરકાર.
- પોષણ અભિયાન એટલે આંગણવાડી કેન્દ્રોમાં બહેનો થકી, બહેનો માટે, બહેનોના શારીરિક – આંતરિક વિકાસ માટે ચાલતું અભિયાન.
- સપ્ટેમ્બર માસમાં સુપોષણ સંવાદ, બાળ તુલા દિવસ, બાલ દિવસ તેમજ અન્ન વિતરણ દિવસ એમ કુલ 4 મંગળવારની થતી ઉજવણી.
અત્યારે સમગ્ર ગુજરાતભરમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણમાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટે જન આંદોલન તરીકે સમગ્ર માસમાં અલગ – અલગ થીમ આધારિત પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એનિમિયા, પુરક ખોરાક, વૃદ્ધિ દેખરેખ, પોષણ ભી-પઢાઇ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોચાડવા ટેકનોલોજી તેમજ સર્વગ્રાહી પોષણમાં સંબંધિત વિવિધ વિભાગો જેવા કે,ઈંઈઉજ,આરોગ્ય, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા, કૃષિ, વાસ્મો, પંચાયત, આયુર્વેદ વગેરે વિભાગો આંતરિક સંકલન સાધીને જનજાગૃતિના દૈનિક અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર મહિનાના 4 મંગળવારને સ્પેશ્યલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પહેલો મંગળવાર સુપોષણ સંવાદ, બીજો મંગળવાર બાળતુલા દિવસ, ત્રીજો મંગળવાર અન્નપાશન તેમજ ચોથો મંગળવાર અન્નવિતરણ અને પૂર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સપ્ટેમ્બર મહિનાના પહેલા મંગળવારને સુપોષણ સંવાદ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં બહેનોનું એક જૂથ બનાવવામાં આવે છે. જેને માતૃ સહાય જૂથ કહેવામાં આવે છે. જેમાં પ્રેરક માતા દ્વારા અન્ય બહેનોને પોતાના અનુભવો તેમજ બહેનોના પ્રશ્ર્નોના જવાબ આપે છે. ચર્ચા – વિચારણા સાથે પ્રશ્ર્નોતરી પણ કરીને બહેનોને મૂંઝવતા પ્રશ્ર્નોનું વિના સંકોચ નિરાકરણ લાવવામાં આવે છે.
બીજા મંગળવારને બાળ તુલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમા 6 માસથી લઇને 36 મહિનાના ઓછુ વજન – ઉંચાઇ ધરાવતા કુપોષિત બાળકોની સમ્ભાળ લેવામા આવે છે. જેથી કરીને ભવિષ્યમા એ બાળકને ઓછા વજન કે ઉંચાઇના કારણે કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે નહિ.
ત્રીજા મંગળવારને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે દરમ્યાન બાળકોના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયત્નો કરવામાં આવે છે, બાળકની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરીને બાળકને પ્રોત્સાહન પૂરૂં પાડીને તેનામાં આત્મ વિશ્ર્વાસ લાવવા સહિત પ્રાથમિક શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે.
ચોથા મંગળવારને અન્ન વિતરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે દરમ્યાન બાલ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે. જેથી કરીને ઓછું વજન ધરાવતાં બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના અપૂરતા પોષણની સમસ્યા ભવિષ્યમાં નડતર રૂપ બને નહીં.
આ પોષણ માસના લાભ જીલ્લાના છેવાડાની તમામ બહેનો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં જીલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ જીલ્લાના છેવાડાના ગામો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પણ જઈને આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા પ્રસૂતિ થયેલી માતા અને અને નવજાત શિશુની મુલાકાત, નવજાત શિશુને માતાથી અલગ ના રખાતા માતાની હુંફ મળે એ રીતે તેની બાજુમાં જ રાખવું, પ્રથમ કલાકમાં જ બાળકને પ્રથમ માતાનું ધાવણ આપવું, જન્મતા જ બાળકને આપવાની થતી રસીની નોંધ લેવી અને નવજાત બાળકને અને પ્રસૂતાને કરવાની થતી સાર-સંભાળ અંગે પ્રસૂતા માતા અને વડીલોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ઉજવવામાં આવી રહેલા 7 માં તબક્કાના પોષણ માહની ઉજવણી એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, જરૂરી સેવા વિતરણ તેમજ ‘પોષણ ભી પઢાઈ ભી’ મુજબ બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવા સહિતની પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે.
અત્યારે ચાલી રહેલી પોષણ માહની ઉજવણી અંતર્ગત દાહોદ જીલ્લાની વિવિધ આંગણવાડીઓમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અનાજ, શાકભાજી અને ફળો વડે રંગોળીના માધ્યમથી સગર્ભા સ્ત્રીઓ, ધાત્રીમાતા તેમજ કિશોરીઓને પૌષ્ટિક આહાર અને સ્વછતા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. કોઈ પણ બાળક, ધાત્રીમાતા, કિશોરી અને સગર્ભામાં પોષણની ઉણપ ન રહે તે માટે જીલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરી તેઓની દરકાર લેવામાં આવી રહી છે.
હા, આ પોષણ અભિયાનનો મૂળ હેતુ આવનાર ભવિષ્યને તંદુરસ્ત રાખવા સુનિશ્ચિત કરવાનો છે. કારણ કે, માતા સ્વસ્થ હશે તો બાળક તંદુરસ્ત હશે, બાળક તંદુરસ્ત હશે તો સમાજ તંદુરસ્ત હશે, સમાજ તંદુરસ્ત હશે તો આવનાર ભવિષ્ય પણ તંદુરસ્ત હશે. સ્વસ્થ સમાજ- સ્વસ્થ ભવિષ્ય તરફ લઇ જવા માટે દાહોદ જીલ્લામા ICDS,આરોગ્ય, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા, કૃષિ, વાસ્મો, પંચાયત, આયુર્વેદ વગેરે જેવા વિભાગો સાથે સંકલન કરીને કુપોષણ નિવારવા માટે સરકાર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.