૭ મહિનાનો ગર્ભ ધરાવતી સગીરાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજુરી આપી

તાપીની એક ૧૫ વર્ષ અને ૦૯ માસની સગીરાના ૨૭ સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. જેમાં અરજદારના એડવોકેટે કોર્ટને કહ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ અને એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતાં તે ગર્ભવતી બની હતી. આ અંગે આરોપી સામે તાપીના ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

સગીરાના કુટુંબની પણ ગર્ભપાત માટે મંજૂરી હતી. સગીરા માનસિક અને શારીરિક રીતે ગર્ભને વધુ સમય રાખવા સક્ષમ નહોતી. હાઇકોર્ટે સુરતની સ્મિમેર હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટને એક્સપર્ટ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર્સ દ્વારા સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં રિપોર્ટ આવ્યો હતો કે સગીરાને ૨૮ સપ્તાહનો ગર્ભ છે. સગીરાની ઉંમર નાની હોવાથી ગર્ભાવસ્થા આગળ વધારવી જોખમી છે. સામાન્ય રીતે એમટીપી એક્ટ અંતર્ગત ૨૪ સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મળતી હોય છે.

સગીરાના ગર્ભપાતમાં બ્લીડિંગ અને ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે. વળી, તેને માનસિક તકલીફો પણ છે. કોર્ટે સ્મિમેર હોસ્પિટલને ઓપરેશન દરમિયાન લોહીની જરૂર પડે તો અગાઉથી વ્યવસ્થા કરવા, પૂરતી સુરક્ષા અને પ્રોટોકોલ સાથે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી, સાથે જ તેની ગર્ભની પેશીના ડીએનએ આરોપી સામે પુરાવા તરીકે એફએસએલમાં મોકલી સાચવવા હુકમ કર્યો હતો. સગીરાને મેડિકલ ખર્ચમાં સરકારી યોજનાનો લાભ અપાવવા હોસ્પિટલને સૂચના આપી હતી.