સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો

વર્ષ ૨૦૭૦ સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આથક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટ ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં પીએનજી કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે.

જુલાઇ ૩૧, ૨૦૨૩ સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્ટિક પીએનજી કનેક્શનની સંખ્યા ૩,૦૭૮,૧૬૨ હતી જે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪માં ૩,૨૫૩,૧૭૫ સુધી પહોંચી ગઇ છે. આ સાત મહિનામાં ૫.૬%ના વધારા સાથે કુલ ૧૭૫,૦૧૩ કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે. વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક પીએનજી કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે ૨૩,૪૪૫ વ્યવસાયિક તેમજ ૫૭૮૬ ઔદ્યોગિક પીએનજી કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

ઔદ્યોગિક પીએનજી કનેક્શન (ટોપ પાંચ રાજ્ય)માં ગુજરાત: ૫,૭૮૬,ઉત્તરપ્રદેશ: ૩,૨૭૦,હરિયાણા: ૨,૨૫૯,રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (યુ.ટી): ૧,૯૧૦ અને રાજસ્થાન: ૧,૬૯૧ છે જયારે વ્યવસાયિક પીએનજી કનેક્શન (ટોપ પાંચ રાજ્ય) ગુજરાત: ૨૩,૪૪૫,મહારાષ્ટ્ર: ૪,૮૧૭,રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (યુ.ટી): ૩,૯૬૫,ઉત્તરપ્રદેશ: ૨,૬૪૪ આસામ: ૧,૩૯૧ છે.

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પીએનજી નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન હસ્તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા દસ વર્ષમાં ૧૫૮ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪ના માર્ચ મહિનામાં જીજીએલનું નેટવર્ક ૧૩,૫૧૭ કિલોમીટર હતું જે માર્ચ ૨૦૨૪ સુધી વધીને ૩૪,૮૩૨ કિલોમીટર સુધી પહોંચ્યું છે.