2.69 કરોડ ખંખેર્યા : 68 વર્ષીય વૃદ્ધનો મોબાઇલમાં નિર્વસ્ત્ર વીડિયો ઉતારી યુવતીએ કર્યા બ્લેકમેલ.

  • નવરંગપુરામાં વર્ચ્યુઅલ સેકસનું સૌથી મોટું ‘બ્લેકમેલ’
  • વૃદ્ધનો વીડિયો ઉતારી ર.૬૯ કરોડ પડાવ્યા
  • સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થતાં તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. વીડિયો કોલના માધ્યમથી બંને જણાં વર્ચ્યુઅલ સેક્સના રવાડે ચઢી ગયાં હતાં. મોબાઈલના કેમેરામાં નિર્વસ્ત્ર થઇ વૃદ્ધ સંપૂર્ણપણે ભૂલી ગયા હતા કે સામે છેડે યુવતી પોતાના મોબાઈલ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી રહી છે. યુવતી દ્વારા વીડિયો વૃદ્ધને મોકલાવીને રૂપિયાની માગણી કરાઈ હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસ, સાયબર ક્રાઇમ પોલીસ અને સીબીઆઈના સ્પેશિયલ અધિકારીના નામે દિલ્હીની શાતિર ગેંગના જુદા જુદા સભ્યોએ ડરાવી-ધમકાવી કેસની પતાવટ માટે ટુકડે ટુકડે  ર.૬૯ કરોડ રૂપિયા વૃદ્ધ પાસેથી પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મેસજ કરી જાળમાં ફસાવ્યા
નવરંગપુરા વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધ એક ખાનગી કંપનીમાં એડ્વાઈઝર અને ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. ૮ ઓગસ્ટ, ર૦રરના દિવસે રાતના  દસ વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરે હાજર હતા તે દરમિયાન તેમના મોબાઇલ નંબર પર વોટ્સએપમાં રિયા શર્મા નામની એક યુવતીનો મેસેજ આવ્યો હતો, જેથી વૃદ્ધે ‌રીપ્લાય આપતાં યુવતીએ પોતે ગુજરાતના મોરબીથી વાત કરી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તરત જ તેણે વીડિયો કોલ કર્યો હતો અને પોતે વર્ચ્યુઅલ સેક્સ કરવાનું કહીને યુવતીએ કપડાં કાઢી નાખ્યાં હતાં, જોકે વૃદ્ધએ ના પાડતાં તેણે કહ્યું હતું કે હું કેટલાય લોકોને આ રીતે સેક્સનો વીડિયો કોલ કરું છું. જસ્ટ આ તો વીડિયો કોલ છે, કંઈ નહીં થાય. આથી વૃદ્ધે પણ તેનાં કપડાં ઉતાર્યાં હતાં. લગભગ એકાદ મિ‌નિટ સુધી વીડિયો કોલ ચાલ્યા બાદ યુવતીએ વીડિયો કોલ કટ કરી દીધો હતો.

નિર્વસ્ત્ર વીડિયો ક્લિપ ઉતારી 
થોડી વાર બાદ યુવતીએ  વીડિયો ક્લિપ વૃદ્ધને મોકલી આપી હતી. અને સો‌શિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપીને રૂ‌પિયા પ૦ હજારની માગણી કરી હતી, જેથી વૃદ્ધે બદનામીના ડરથી યુવતીને પ૦ હજાર ટ્રાન્સફર કરી તેનો નંબર બ્લોક કરી દીધો હતો.     થોડા સમય બાદ ‌દિલ્હીથી પોલીસ ઇન્સ્પેક્ટર ગુડ્ડુ શર્માની ઓળખ આપી  અજાણ્યા નંબર પરથી વૃદ્ધ પર ફોન આવ્યો હતો અને તેણે વૃદ્ધને કહ્યું હતું કે તમારો સેક્સી વીડિયો અમારી પાસે છે તેમ કહી રૂપિયા ત્રણ લાખ પડાવ્યા હતા. ૧૩ ઓગસ્ટના દિવસે સતીશ નામની વ્યક્તિએ ફોન કરી તેણે આ વીડિયો ગુડ્ડુ પાસેથી મેળવ્યો હોવાનું જણાવી જો રૂપિયા એક લાખ નહીં આપે તો ફરિયાદ દાખલ કરાવી દેવાની ધમકી આપી હતી, જેથી વૃદ્ધે તેને પણ એક લાખ રૂપિયા આપ્યા હતા.

પોલીસની ઓળખ આપી રૂપિયા સેરવ્યા
૧૪ ઓગસ્ટે ‌દિલ્હી સાયબર ક્રાઇમથી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામીની ઓળખ આપીને વૃદ્ધ પર ફોન આવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ‌રિયાએ સ્યુસાઇડ કરવાની કોશિશ કરી છે અને તે હોસ્પિટલમાં છે. તેણે આત્મહત્યા કરવા માટે તમને જવાબદાર ઠેરવ્યા છે. તમારે આ કેસમાંથી બચવું હોય તો હું કહું તે પ્રમાણે પૈસા ટ્રાન્સફર કરી દો, નહીં તો તમારી વિરુદ્ધ ફરિયાદ કરીને તમારી અટકાયત કરવી પડશે. આ સાથે તમારા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દઇશ તેમ કહીને વૃદ્ધ પાસેથી ૮૦.૭૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ત્યાર બાદ સીબીઆઇ ઓફિસર સંદીપ શર્મા નામની વ્યક્તિની ઓળખ આપી વૃદ્ધ પર ફોન આવ્યો હતો અને વીડિયો ક્લિપ તેમની પાસે છે. યુવતીનાં પરિવારજનો હાલ ફરિયાદ કરવા માટે આવ્યાં છે તેમ કહી રૂ. ૧૮.પ૦ લાખ પડાવી લીધા હતા, જોકે આ ગઠિયાએ તો યુવતીની માતાએ ફરિયાદ પરત ખેંચી લીધી હોવાની એફિડે‌િવટ પણ વૃદ્ધને વોટ્સએપમાં મોકલી આપ્યું હતું.

રૂપિયાની માગણી સતત વધતી ગઈ..!
થોડા દિવસ બાદ દિલ્હી સીબીઆઇમાંથી વિક્રમ ગોસ્વામીની ઓળખ આપી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સંદીપ શર્માએ જે રૂપિયા પડાવ્યા છે તે ફ્રોડ છે. યુવતીએ સ્યુસાઇડનો પ્રયાસ કર્યો છે, જેની ફરિયાદ અમારી પાસે છે. જો તમારે ધરપકડથી બચવું હોય અને ઇજ્જત બચાવવી હોય તો અમે કહીએ તેટલા રૂ‌િપયા આપવા પડશે તેમ કહ્યું હતું. અમે અમારા ખાતાના દરેક અધિકારીને રૂપિયા આપીને એફઆઇઆર દફતરે કરીશું તેમ જણાવી વૃદ્ધ પાસેથી ર૯.૩પ લાખ પડાવ્યા હતા. ર૩ નવેમ્બરે જયપુરથી અશોક નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો કે યુવતીનાં પરિવારજનોએ ફરિયાદ કરી છે, તમારી ધરપકડ કરવા ૧ર માણસોની ટીમ નીકળી ગઈ છે અને મોબાઇલમાં સાઈરનનો અવાજ પણ સંભળાવ્યો હતો. પોલીસનો ખર્ચ, યુવતીનાં કુટુંબીજનોને વળતર તેમજ કેસ પૂરો કરવાના બહાને વૃદ્ધ પાસેથી બીજા ૧૯.૭૦ લાખ પડાવી લીધા હતા.

..સમાધાનના કોઇ રૂપિયા મળ્યા નથી
૩ ડિસેમ્બરે પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન મીણાના નામથી ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, કેસની તપાસ મારી પાસે     છે, તેનાં કુટુંબીજનોને સમાધાનના કોઇ રૂપિયા મળ્યા નથી. હાલ મારી પાસે આવીને ફરિયાદ આપી તમારી ધરપકડ કરવા માટે જણાવે છે. આ કેસની તપાસ ગુજરાત પોલીસ પણ કરી રહી છે તેમ કહીને જો ધરપકડથી બચવું હોય અને સમાધાન કરવું હોય તો રૂપિયા ૧.૧૫ કરોડની માગણી કરી હતી. વૃદ્ધે આ રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ૧૩ ડિસેમ્બરે ‌દિલ્હી પોલીસના ડીઆઇજી તાહીર બોલી રહ્યો હોવાની ઓળખ આપીને વૃદ્ધ પાસેથી લગભગ ર.૧૦ લાખ પડાવી લીધા હતા.