
મુંબઇ, બોલીવુડના જાણીતા અભિનેતા ‘દલીપ તાહિલ’ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દલિપ તાહિલને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અભિનેતાને પાંચ વર્ષ જૂના ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૮નો છે.
અભિનેતા દલીપ તાહિલ પર ૨૦૧૮માં મુંબઈના પોશ ખાર ઉપનગરીય વિસ્તારમાં દારૂના નશામાં તેની કાર સાથે ઓટો રિક્ષાને ટક્કર મારવાનો આરોપ છે. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. રિપોર્ટ અનુસાર, કોર્ટે આ નિર્ણય એવા પુરાવાના આધારે લીધો છે જેમાં ડોક્ટરના રિપોર્ટમાં દારૂની ગંધ અને અભિનેતા તે સમયે યોગ્ય રીતે ચાલી શક્તો ન હતો.
ઉલ્લેખનીય છે કે, દલીપ તાહિલ ૯૦ના દાયકાના જાણીતા અભિનેતા હતા. તેમણે ‘બાઝીગર’, ‘રાજા’, ‘ઈશ્ક’, ‘રા.વન’, ‘કહો ના પ્યાર હૈ’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં અભિનેતા ઓટીટી પર વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે.