મુંબઈ,
મુંબઈના પરાં ગોવંડીના શિવાજીનગર પોલીસે એક ૬૨ વર્ષના સિનિયર સિટિઝનની ૧૬ વર્ષની સાવકી પુત્રી પર બળાત્કાર ગુજારવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપી નશાયુક્ત પદાર્થ ખવડાવી ઘેનમાં સરી પડતી સાવકી પુત્રી પર અત્યાચાર ગુજારતો હતો. અંતે આ અત્યાચારથી પીડિતા ગર્ભવતી બની જતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આ વિકૃત વ્યક્તિ એક સંબંધીની હત્યા પ્રકરણે જેલમાં ૧૯ વર્ષની સજા ભોગવીને બહાર આવ્યો હતો. છતાં તેના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો.
આ સંદર્ભે વધુ વિગત મુજબ આરોપી ૧૯ વર્ષ જેલની સજા ભોગવી થોડા વર્ષ પહેલા જેલમાંથી બહાર આવ્યો હતો. તેણે બહાર આવી પીડિતાની માતા સાથે લગ્ન કર્યા હતા. આ સમયે આરોપીએ મહિલાને તેની પુત્રીની પણ દેખરેખ રાખવાનું વચન આપી પોતાની સાથે રહેવા મનાવી લીધી હતી. જોકે લગ્ન કર્યાના થોડા સમય બાદ આરોપી સ્વભાવથી સારો ન હોવાની જાણ મહિલાને થઈ હતી. ત્યાર બાદ મહિલાએ આ વ્યક્તિને છોડી દઈ અન્ય વ્યક્તિ સાથે ઘર માંડયું હતું અને તેની સાથે રહેવા ગોવંડીના બીજા વિસ્તારમાં રહેવા ચાલી ગઈ હતી. જોકે મહિલાએ તેની પુત્રીને આરોપી પાસે જ રાખી હતી. આ વર્ષના માર્ચથી જૂન મહિના દરમિયાન પીડિતા જ્યાર તેના સાવકા પિતા સાથે રહેતી હતી ત્યારે આ નરાધમને સગીર પીડિતાને નશાયુક્ત પદાર્થ ખવડાવી તેના સાથે દુષ્કર્મ આચરતો હતો. આરોપીના અત્યાચારથી પીડિતા ગર્ભવતી બની જતા તેની માતાને પુત્રીના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરતા હકીક્ત બહાર આવી હતી. ત્યાર બાદ પીડિતાની માતાએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.