૬૨ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપકોને ગાંધીનગર ખાતે નિમણુંક પત્ર એનાયત કરાયા

ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ ૬૨ મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, એક શિક્ષકની જવાબદારી માત્ર અર્થોપાર્જન માટે નહિ પરંતુ, ભાવી પેઢીનું યોગ્ય ઘડતર કરી તેને તૈયાર કરવાની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના મોદીની દૂરંદેશિતા અને વિઝનના પરિણામે આજે ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦નું અમલીકરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ-ર૦ર૦ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી અને આજના સમયની જરૂરિયાત છે. આપની નિમણૂક એવા સમયે થઈ રહી છે, જ્યારે શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે પસંદગી પામેલા તેજસ્વી અને સક્ષમ પ્રાધ્યાપકો સમર્પણ અને પ્રતિબદ્ધતા થકી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના સફળ અમલીકરણમાં મૂલ્યવાન ટેકો આપશે અને આ પહેલમાં સકારાત્મક યોગદાન આપશે, તેવો મંત્રીશ્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાએ ગૌરવભેર ઊભા રહેવાની ક્ષમતા આપે છે અને પરિણામે આજે ગુજરાત વિશ્વકક્ષાએ પોંખાતું થયું છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આ ક્ષમતામાં વધારો કરવા, ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ઉત્તમ માળખાકીય સુવિધા પૂરી પાડવી અને એમાં સક્ષમ અધ્યાપકોની સત્વરે નિમણુંક કરવી એ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આજે એ જ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક આપવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત પ્રાધ્યાપકો પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમને યોગ્ય રાહે દોરી એક શિક્ષકથી વધુ ગુરુનો દરજ્જો મેળવશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નવનિયુક્ત ઉમેદવારોને શિક્ષણ વિભાગમાં આવકારતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, શિક્ષણથી વિશેષ કોઈ સેવા નથી અને વિદ્યાદાન સર્વ દાન કરતાં શ્રેષ્ઠ છે. આપ સૌ ભાગ્યશાળી છો કે શિક્ષણ તમને સેવારૂપે પ્રાપ્ત થયું છે. નવા પ્રાધ્યાપકો વિદ્યાના પ્રકાશ થકી અનેક વિદ્યાર્થીઓનાં જીવનને નવી રાહ આપે, તેવી મંત્રીશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી. અંતમાં મંત્રીશ્રીએ સૌને દીપાવલિના પાવન પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.