૬૦૦ વર્ષ જૂની ૨ શાલિગ્રામ શિલા નેપાળથી ૩૭૩ કિમી અને ૭ દિવસની યાત્રા પછી અયોધ્યા પહોંચી

અયોધ્યા,

શાલિગ્રામની શિલાઓ અયોધ્યા પહોંચી હતી. તેમાંથી મૂર્તિઓ બનાવીને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.૩૭૩ કિલોમીટર અને ૭ દિવસની યાત્રા બાદ બે વિશાળ શાલિગ્રામ શિલાઓ અયોધ્યા પહોંચી ગઈ છે. સરયુ નદીના પુલ પર ૨-૩ હજાર લોકોએ શિલાઓ પર ફૂલ વરસાવીને ઢોલ-નગારા વગાડીને સ્વાગત કર્યું હતું. ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ભક્તોના અનેરા ઉત્સાહથી ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો.

મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી પડી હતી કે શિલાઓને રામસેવકપુરમ પહોંચતા એક કલાકનો સમય લાગ્યો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ડો.અનિલ મિશ્રા, મેયર ૠષિકેશ ઉપાધ્યાયે રામસેવકપુરમ ખાતે શિલાઓને મુકાવી હતી. સુરક્ષા માટે બહાર પોલીસ તહોનાત કરવામાં આવી છે.

સવારે શિલાનું પૂજન કરવામાં આવ્યું છે. આ પછી તેને રામમંદિરના મહંતને સોંપવામાં આવી છે. રામજન્મભૂમિ સંકુલમાં શિલાઓ રાખવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ૧૦૦ મહંતોને પૂજામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓડિશા અને કર્ણાટકમાંથી પણ શિલાઓ અયોધ્યા આવશે. શિલ્પકાર આ બધાનો તુલનાત્મક અભ્યાસ કરશે. ત્યારબાદ ટ્રસ્ટીઓ તેમની સલાહ પર વિચાર કરશે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું, ’ભગવાન શ્રી રામના મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિ બનાવવી જોઈએ અને કયા પથ્થરોમાંથી આ મૂર્તિ બનાવવી જોઈએ, તે બાબતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિચારી રહ્યું છે. આ માટે દેશભરમાંથી શિલ્પકારોને બોલાવીને તેમનાં મંતવ્યો જાણવામાં આવશે. ભગવાનની મૂર્તિમાં દર્શાવાતા ભાવ કેવા હોવા જોઈએ, તેના પર ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે.

ઓડિશા અને કર્ણાટકમાંથી પણ શિલાઓ મંગાવવામાં આવી છે, પરંતુ તેના આવવાનો સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી. તમામ શિલાઓ એકત્રિત કર્યા પછી નિષ્ણાતોની સલાહ બાદ જ ગર્ભગૃહની મૂર્તિ કયા પથ્થરમાંથી બનાવવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે.

માહિતી અનુસાર, તમામ શિલાઓની તપાસ કર્યા પછી, તેમાંથી એકનો ઉપયોગ ગર્ભગૃહની ઉપર પહેલા માળે બનાવવામાં આવનાર દરબારમાં શ્રી રામની મૂર્તિના નિર્માણ માટે કરવામાં આવશે. સાથે જ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નની મૂર્તિઓ પણ આ શિલાઓમાંથી બનાવવામાં આવશે. ગર્ભગૃહમાં હાલમાં શ્રી રામ સહિત ચારેય ભાઈ બાળ સ્વરૂપમાં બિરાજમાન છે.

આ મૂર્તિઓ નાની હોવાને કારણે ભક્તો તેમના ઈષ્ટદેવનાં દર્શન કરી શક્તા નથી. આવી સ્થિતિમાં, કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિઓનું એક મોટું સ્વરૂપ બનાવવામાં આવશે. જો કે આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ એક વર્ષથી આ શિલાઓને લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નેપાળના જનકપુરની કાલી નદીમાંથી આ શિલાઓને બહાર કાઢવામાં આવી હતી. ૨૬મી જાન્યુઆરીએ વિધિ-વિધાન બાદ શિલાને અયોધ્યા મોકલવામાં આવી હતી. આ દરમિયાન તે બિહારના રસ્તે થઈને યુપીના કુશીનગર અને ગોરખપુર થઈને બુધવારે રાત્રે અયોધ્યા પહોંચી છે. એક શિલાનું વજન ૨૬ ટન છે જ્યારે બીજી શિલાનું વજન ૧૪ ટન છે. માનવામાં આવે છે કે આ શિલાઓ ૬૦૦ વર્ષ જૂની છે.