
અગામી તા.26 હિન્દુ પંચાંગ મુજબ, મહાશિવરાત્રિનો તહેવાર મનાવાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન થયાં હતાં. તેથી આ તહેવાર દર વર્ષે શિવભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે. આ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે એક ખાસ સંયોગ બનશે જે 60 વર્ષ પછી બની રહ્યો છે. મહાશિવરાત્રિના તહેવાર પર ત્રણ ગ્રહોની યુતિ થશે. તેમાં ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિકરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરીમાં શિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે અને આ દિવસે ચાર પ્રહર માટે ધ્યાન કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થશે. શુભ સંયોગ અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાથી તેમના ભક્તોને ઇચ્છિત ફળ મળશે.
60 વર્ષ પછી બની રહ્યો છે ખાસ સંયોગ
જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, 1965માં જ્યારે મહાશિવરાત્રિનો તહેવાર આવ્યો ત્યારે સૂર્ય, બુધ અને શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા હતા. અગામી તા.26 મહાશિવરાત્રિ પર, શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે, રાહુ પણ તેની સાથે રહેશે. આ એક શુભ યોગ છે. આ ઉપરાંત સૂર્ય અને શનિ કુંભ રાશિમાં રહેશે. સૂર્ય શનિના પિતા છે અને કુંભ શનિની રાશિ છે. આવી સ્થિતિમાં, સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરમાં રહેશે. શુક્ર પોતાના શિષ્ય રાહુ સાથે મીન રાશિમાં રહેશે. કુંભ રાશિમાં પિતા-પુત્ર અને મીન રાશિમાં ગુરુ-શિષ્યના સંયોજનમાં શિવની પૂજા કરવામાં આવશે.

ચાર પ્રહરની પૂજાનું મહત્ત્વ
જ્યોતિષના જણાવ્યા મુજબ, ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 કલાકે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 કલાક સુધી ચાલુ રહેશે. રાત્રિના સમયે ભગવાન શિવની પૂજા કરી શકાય છે. તેની સાથે પૌરાણિક માન્યતાઓ મુજબ, યથા શ્રદ્ધા, યથા પ્રહર, યથા સ્થિતિ અને યથા ઉપચાર મુજબ થવી જોઈએ. ચાર પ્રહરની સાધનાથી ધન, યશ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જેઓ બાળકો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમણે પણ આ સાધના જરૂરથી કરવી જ જોઈએ. ઉપરાંત, ભગવાન શિવનો અભિષેક કરતી વખતે 108 વખત “ૐ પાર્વતીપતયે નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં કોઈ અકાળ સંકટ આવતું નથી.