6 વર્ષનો ‘યુવાન’ બોલી રાહુલે ભાંગરો વાટ્યો:મોદી કરતા રાહુલ ગાંધીના ભાષણની ભારે ચર્ચા, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ; ભાજપે મજા લીધી

સંસદના બંને ગૃહોમાં આજકાલ ભારે હોબાળો ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અને પીએમ મોદીએ શનિવારે લોકસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદી કરતા રાહુલ ગાંધીના ભાષણની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. જો કે આ દરમિયાન બીજેપી તેમના ભાષણ પર કટાક્ષ કરી રહી છે. ભાજપે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના ભાષણની એક ક્લિપ ટ્વીટ કરી અને લખ્યું, “જ્યારે સંખ્યા, તર્ક, સામાન્ય જ્ઞાન અને મગજ એક સાથે લાંબી રજા લેવાનું નક્કી કરે છે!”

વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે, “હજારો વર્ષ પહેલાં જંગલમાં એક 6-7 વર્ષનો યુવક, દરરોજ સવારે 4 વાગ્યે જાગતો…” બીજેપી સાંસદોએ તેમને વચ્ચે અટકાવે છે, ત્યારે રાહુલને ખ્યાલ આવે છે કે તેમણે બોલવામાં ભૂલ કરી છે અને તરત જ તે ભૂલ સુધારે છે અને કહે છે, “બાળક, બાળક…આ જ સમસ્યા છે…ધનુષ્યમાં તપસ્યા છે, મનરેગાનું કામ કરવામાં તપસ્યા છે… તપસ્યા એટલે શરીરમાં ગરમી પેદા કરવી. સમજો, હા, આ છે તપસ્યાનો અર્થ… જેમ દ્રોણાચાર્યજીએ એકલવ્યનો અંગૂઠો કાપી નાખ્યો હતો, તેવી જ રીતે તમે ભારતના યુવાનોનો…” આના પર ભાજપના એક સાંસદે કહ્યું, “દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો નથી કાપ્યો સાહેબ… તો રાહુલે માથું હલાવ્યું અને કહ્યું, “જેમ એકલવ્યનો અંગૂઠો કાપવામાં આવ્યો હતો, એ જ રીતે તમે ભારતના તમામ યુવાનોના અંગૂઠા કાપ્યા છે…”

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની પહેલા તો ખૂબ જ ગંભીરતાથી ભાષણ સાંભળી રહ્યા છે, પરંતુ બાદમાં તેઓ હસવા પણ લાગે છે. ચન્નીની બાજુમાં બેઠેલા સાંસદનું પણ એવું જ છે. તે જ સમયે, રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ સહિત ભાજપના તમામ સાંસદો જોર જોરથી હસતા જોવા મળ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.