મુંબઇ, મેરી કોમે હવે બોક્સિંગ છોડી દીધું છે. ૬ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે નિવૃત્તિની જાહેરાત કરી છે. પણ પ્રશ્ર્ન એ છે કે શા માટે? તેના મોટા નિર્ણયનું કારણ શું છે?
મેરી કોમે ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વર્લ્ડ બોક્સિંગ રિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અને આ જાહેરાત પાછળનું સાચું કારણ પણ જણાવ્યું. વાસ્તવમાં મેરી કોમની નિવૃત્તિનું કારણ કોઈ કાવતરું કે બીજું કંઈ નથી પણ તેની ઉંમર છે.
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, કોઈપણ બોક્સર, પછી તે પુરુષ હોય કે સ્ત્રી માત્ર ૪૦ વર્ષની ઉંમર સુધી જ કોઈપણ બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. અને મેરી કોમ ૪૧ વર્ષની છે.
નિવૃત્તિ લેતી વખતે મેરી કોમે કહ્યું હતું કે તેને હજુ પણ જીતવાની ભૂખ છે. તેના મુક્કાઓમાં પણ જીવ છે. તે વધુ રમવા માંગે છે. પરંતુ તે બોક્સિંગ કરી શક્તી નથી કારણ કે નિયમો અનુસાર તેની ઉંમર તેને મંજૂરી આપતી નથી. આવી સ્થિતિમાં તેણે નિવૃત્તિ લેવી પડશે.
મેરી કોમ વિશ્વની એકમાત્ર બોક્સર છે જે ૬ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા બોક્સર છે. તેણે ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૪૮ કિગ્રા વર્ગમાં લડનારી ભારતીય મહિલા બોક્સર મેરી કોમ વર્ષ ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૮માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.