
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ ગેરકાયદે રહેતા લોકોને દેશનિકાલ કરવાના આદેશ કર્યા હતા. જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પણ બંદી બનાવી ડિપોર્ટ કર્યા હતા. આ ડિપોર્ટ કરાયેલા ભારતીયો પૈકી સુરતના ડિંડોલીમાં રહેતો યુવક ઠગબાજ એજન્ટોનો ભોગ બન્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
બે એજન્ટે યુએસએ રહેવા, જમવા અને કામ અપાવવાના બહાને 35 લાખ પડાવી લીધા બાદ ગેરકાયદે રસ્તેથી અમેરિકા ઘૂસણખોરી કરાવી હતી. છ મહિના ગુયાના, બાઝિલ, પેરુ, કોલંબિયા, પનામા, મેક્સિકોના ખતરનાક જંગલોવાળા રસ્તેથી યાતનાઓ આપી ટીકાતે બોર્ડરથી અમેરિકા પ્રવેશ કરાવ્યો હતો. છ મહિના યાતના વેઠ્યાં બાદ અમેરિકા પહોંચતા જ અમેરિકન પોલીસે યુવકને પકડી 14 દિવસ કબજામાં રાખ્યા બાદ ભારત ડિપોર્ટ કરી દીધો હતો. આ મામલે હરિયાણામાં ફરિયાદ નોંધાયા બાદ તેને સુરત ટ્રાન્સફર કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચમાં એજન્ટો સામે ગુનો નોંધાયો છે.
એજન્ટ દ્વારા અમેરિકામાં તમામ સુવિધાની ખાતરી અપાઈ મળતી વિગતો પ્રમાણે, ડિંડોલીમાં રામીપાર્ક સોસાયટીમાં રહેતો 36 વર્ષીય પંકજ રાવત રામેશ્વરદાસ સચિનની કંપનીમાં નોકરી કરતો હતો. તે હાલ હરિયાણાના પાણીપતમાં રહે છે. પંકજને અમેરિકા જવાની ઇચ્છા હતી. જાન્યુઆરી 2024માં સચિન, હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એરિયા, રોડ નં.17 ખાતે તેમની મુલાકાત સચિન વિસ્તારમાં રહેતા અબ્દુલ અને પ્રદીપ સાથે થઈ હતી. બંનેએ એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી અનેક લોકોને યુએસએ મોકલ્યા હોવાની વાત કરી હતી. અમેરિકામાં રહેવા, જમવા અને કામ અપાવવાની પણ તેઓએ ખાતરી આપી હતી.
પંકજે એજન્ટને બે ભાગમાં 35 લાખ આપ્યા લાલચમાં આવી પંકજભાઈએ બંને એજન્ટ પર ભરોસો મૂક્યો હતો. USA રહેવા, જમવા અને કામ અપાવવા પેટે બંનેએ 35 લાખ માંગ્યા હતા. પંકજભાઈએ 20 લાખ અબ્દુલને સચિન ખાતે આપ્યા હતા. ત્યારબાદ અબ્દુલે પંકજને દિલ્હીના અશોક વિહાર ખાતે બોલાવ્યો હતો, જ્યાં તેઓએ રોકડા રૂપિયા 15 લાખ લીધા હતા. ત્યારબાદ ગત તા.6-8-24ના રોજ અબ્દુલે મુંબઇ એરપોર્ટથી ગુયાનાની ટિકિટ કરીને ગુયાના ટીમરી એરપોર્ટ ખાતે પંકજભાઈને મોકલી આપ્યા હતા. અન્ય એજન્ટ પ્રદીપ વોટ્સએપ પર સતત સંપર્કમાં રહેતો હતો. ગુયાના પહોંચતા અબ્દુલના ડોંકરે પંકજભાઇ પાસેથી સિમકાર્ડ અને પાસપોર્ટ લઇ લીધાં હતાં.
પંકજને 25 દિવસ બંદી બનાવી એક મકાનમાં રાખ્યો ગુયાનાથી ટેક્સીમાં ખતરનાક જંગલોના રસ્તે બ્રાઝિલ મોકલ્યા હતા. બ્રાઝિલમાં 10 દિવસ રહ્યા બાદ અબ્દુલના ડોંકરે પંકજને બ્રાઝિલથી બસ મારફતે પેરુ મોકલ્યો હતો. પેરુથી ટેક્સી દ્વારા ઇક્વાડોર મોકલ્યો હતો. ઇક્વાડોરમાં અબ્દુલના ડોંકરે પંકજને પચ્ચીસેક દિવસ બંદી બનાવી રાખી કોલંબિયામાં મોન્ટેરિયાના એક મકાનમાં અબ્દુલ અને પ્રદીપના ડોંકરે પ્રકાશને ચારેક મહિના રાખ્યો હતો. શંકા જતા રૂપિયા પરત માંગતા તેઓએ રૂપિયા આપવાનો ઇન્કાર કરી વિદેશમાં મારી નાખવાની પણ ધમકી આપી હતી. ભારે આજીજી બાદ ડોંકર દ્વારા પ્રકાશને પનામાનાં જંગલોમાં મોકલી અપાયો હતો.
USAમાં પ્રવેશ કરતા જ પોલીસે પંકજને પકડી પાડ્યો પનામા સિટીમાં ડોંકરે 10 દિવસ રાખી માર માર્યો હતો, ત્યારબાદ પંકજને કોસ્ટારિકા મોકલ્યો હતો. ત્યાંથી બસ દ્વારા હોંડરસ અને હોંડરસથી નિકારગુઆ થઇ ગ્વાટેમાલા મોકલ્યો હતો. ગ્વાટેમાલા 15 દિવસ રોકી રાખી ત્યાંથી મેક્સિકો સિટી મોકલ્યો હતો. જ્યાં એક હોટલમાં રાખી ટેક્સીમાં હેરમનસીલો મોકલ્યો હતો. જ્યાં અબ્દુલના ડોંકરે 15 દિવસ પોતાના ઘરે રાખી 1 ફેબ્રુઆરી 2025ના રોજ ટીકાતે બોર્ડરથી યુએસએમાં પ્રવેશ કરાવ્યો હતો. યુએસએ પહોંચતા જ અમેરિકાની પોલીસે તેને પકડી પાડ્યો હતો. ત્યારબાદ 14 દિવસ એરેસ્ટ કરી યુએસએથી મિલિટરીના જહાજમાં ભારત ડિપોર્ટ કર્યા હતા.
યુવકની ફરિયાદ પાણીપત પોલીસે સુરતમાં ટ્રાન્સફર કરી ગત 16 ફેબ્રુઆરીના રોજ તેને અમૃતસર એરપોર્ટ પર છોડી મૂક્યા હતા. આમ, બંને ઠગબાજ એજન્ટોએ યુએસએ મોકલવાના બહાને 35 લાખ પડાવી ગેરકાયદે ઘૂસણખોરી કરાવી છેતરપિંડી કરી હતી. પંકજે હરિયાણામાં પાણીપતમાં ફરિયાદ આપતા પાણીપત પોલીસે સુરતમાં ફરિયાદ ટ્રાન્સફર કરતા ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ તુષાર પંડ્યાને સોંપાઇ છે.