૬ જેટલા ઘરો બળીને ખાખ:તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટ ના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી; ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

નર્મદા,

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. થોડાક ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૬ જેટલા ઘરોમાં આગ ફેલાઈ હતી. આ ઘટનામાં ઘર વખરીથી લઈ અનાજ, રોકડા રૂપિયા તથા કપાસની સાથે તમામ સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે મોટા ફળિયામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ગ્રામ્ય વિસ્તારમાં મકાન કાચું હોવાને કારણે થોડાક ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલા મકાનો પણ આગની ચપેટમાં આવતા થોડીક જ વારમાં ૬ જેટલા ઘરો સળગી ઉઠયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાણ જાનહાની થવા પામી નથી. પરંતુ ઘરોમાં મુકેલી ઘરવખરીની સાધન સામગ્રી સાથે અનાજ, રોકડા રૂપિયા તથા કપાસ બળીને ખાખ થવા પામ્યો હતો. જેના કારણે પીડિત પરિવારો પાયમલ થવાની કગાર પર આવીને ઊભા રહ્યા છે.

તિલકવાડા તાલુકામાં એક જ ફાયર વિભાગની ગાડી હોય, પરંતુ તે પણ બંધ હાલતમાં હોવાથી રાજપીપળા ફાયર વિભાગના કર્મીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ આગે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું અને ૦૬ જેટલા ઘરો આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. ફાયર કર્મીઓ દ્વારા કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબુમાં લીધી હતી. ઘટનાને પગલે તિલકવાડા પોલીસ કર્મીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા ગામ લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.