૬ દિવસ પહેલા નોકરીએ લાગેલા સિક્યુરિટી ગાર્ડને મળ્યુ દર્દનાક મોત

વલસાડ, વલસાડ જિલ્લાના પારડી તાલુકાનાં ઓરવાડ ગામે અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. માત્ર ૬ દિવસ પહેલા જ નોકરીએ લાગેલા સિક્યુરિટી ગાર્ડને દર્દનાક મોત મળ્યુ હતું. ઓરવાડમાં એક વર્કશોપમાં રાત્રિ એ ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ પર લોખંડનો સ્લાઈડિંગ ગેટ બંધ કરતાં સમયે તેના પર જ પડ્યો હતો. જ્યાં મહાકાય ગેટ નીચે દબાઈ જતા ગાર્ડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV માં કેદ થઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતની આ ઘટના વર્કશોપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, સિક્યુરિટી ગાર્ડ ગેટ બંધ કરવા જતા સર્જાયેલા અકસ્માતમાં સિક્યુરિટી ગાર્ડ માત્ર ચાર સેકન્ડમાં જ ગેટ નીચે દબાઈ જાય છે અને તેનું મોત નિપજે છે. પારડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જેતપુર માર્કેટિંગ યાર્ડમાં આવેલ સંત કૃપા નામની ટ્રેડર્સ પેઢીમાં પણ દર્દનાક બનાવ બન્યો હતો. સંત કૃપા નામની ટ્રેડર્સની અગાસીના પગથિયાં ચડતાં યુવાન નીચે પટકા હતો. અકસ્માતે પગથિયાં પરથી નીચે પટકાતા મયુર ગુજરાતી યુવકનું મોત નિપજ્યુ હતું. મૃતક યુવાન સંત કૃપા ટ્રેડર્સમાં મજૂરીના કામના પૈસા લેવા ગયો હોવાની વિગત મળી છે. તે માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતો હતો. અકસ્માત બાદ યુવાનના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેતપુર સિટી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મોડી રાતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ હાઈવે ડુમાડ ચોકડીથી ટોલનાકાની વચ્ચે રેલવેના પાટા ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રકની કેબીનમાં ફસાયેલ ચાલકને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એકની હાલત ગંભીર બની હતી, જેના બાદ તેનું મોત નિપજ્યું હતું. અન્ય એક ઇર્જાગ્રસ્ત સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે વડોદરા ટોલ પ્લાઝાથી ડુમાડ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.