૫૭ વર્ષના શિક્ષક દ્વારા ૧૨ વર્ષની વિદ્યાર્થીની પર વારંવાર બળાત્કાર

મુંબઇ,નાગપુર પોલીસે ૧૨ વર્ષની એક વિદ્યાર્થીની પર વારંવાર બળાત્કાર ગુજારવાના આરોપસર એક ૫૭ વર્ષના શિક્ષકની ધરપકડ કરી હતી. આ સંદર્ભે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં આરોપી શિક્ષકે વિદ્યાર્થીની પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આ સંદર્ભે નાગપુરના સક્કરદરા પોલીસે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પીડિતા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક દિવસથી તેને પેટમાં તીવ્ર દુખાવો થતો હતો. જ્યારે તેની માતાએ તેને વિશ્ર્વાસમાં લઇ પ્રેમથી વધુ પૂછપરછ કરતા બાળાએ તેની સાથે થઇ રહેલ ભયંકર અત્યાચારની વાત જણાવી હતી. પીડિતાએ તેની માતાને જણાવ્યું હતું કે પાંચ એપ્રિલના આરોપી તેને પરીક્ષા બાદ શાળાની સાયન્સ લેબમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ વધુમાં તેની માતાને જણાવ્યું હતું કે ગયા વર્ષના દસ ડિસેમ્બર બાદ આરોપી શિક્ષકે તેની સાથે લગ્ન કરશે તેવું જણાવી અવારનવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય જો પીડિતા આ બાબતે કોઇને કાંઇ જણાવશે તો તેને જાનથી મારી નાંખશે તેવી ધમકી પણ આરોપી શિક્ષકે આપી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

માસૂમ પુત્રીના મોઢેથી આ વાત સાંભળ્યા બાદ માતા તરત પોલીસ સ્ટેશનમાં દોડી ગઇ હતી અને આ બાબતે ફરિયાદ કરતા પોલીસે આઇપીસીની કલમ ૩૭૬(૨)(એફ) (બાર વર્ષથી નાની ઉમંરની બાળા પર બળાત્કાર) ૩૭૬(૨) (સતત બળાત્કાર ગુજારવો), ૫૦૬ (ધમકી આપવી) અને પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નરાધમ શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.