૫૫ દિવસથી જેલમાં બંધ લોકગાયક દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો

અમદાવાદ,

લોકગાયક દેવાયત ખવડ ની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટે દેવાયત ખવડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. ચાર્જશીટ થયા બાદ આરોપી ફરી અરજી કરી શકે તેવી હાઇકોર્ટે છૂટ આપી છે. જ્યારે દેવાયત ખવડ છેલ્લા ૫૫ દિવસથી જેલમાં બંધ છે.

અગાઉ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. તે પહેલા પણ આ જ કેસના અન્ય આરોપી કિશન કુંભારવાડીયાના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.

ગત સાતમી ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્ર્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. તેમજ એક વ્યક્તિ તેમની મદદગારીમાં હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી. જે અંતર્ગત પોલીસ એક તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ગુનો નોંધાયા બાદ રાજકોટના યુનિવસટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવાયત ખવડના રાજકોટ સ્થિત ઘર પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, દેવાયત ખવડ ત્યાં મળી આવ્યો નહોતો. ત્યાર બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા દેવાયત ખવડના મૂળ વતન દુધઈ ખાતે પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યાં પણ દેવાયત ખવડ મળી આવ્યો નહોતો. આ દરમિયાન દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી. તે બાબતનો કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવે તે પૂર્વે જ દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થતા અન્ય બે આરોપીઓ કિશન કુંભારવાડીયા અને કાનો રબારી પણ એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયા હતા.

એ ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી અર્થે તમામ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા અઢી દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.