મહેસાણા,મહેસાણામાં ૨૦૧૭માં મંજૂરી વગર રેલી યોજવા મામલે સેશન્સ કોર્ટમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત ૧૦ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નીચલી કોર્ટનો હુકમ મહેસાણા સેશન્સ કોર્ટે રદ કર્યો છે. આ સાથે જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના ૩ માસની સજાની સામે સેશન્સ કોર્ટમાં કરેલ અપીલમાં તમામ દોષિતોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મહેસાણામાં પાંચ વર્ષે પહેલા ૨૦૧૭માં આઝાદી કી કૂચ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જિગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલ સહિત ૧૪ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ચીફ કોર્ટે ૧૦ આરોપીઓને ૩ માસની સજા ફટકારી હતી. પરંતુ ત્યારબાદ નીચલી કોર્ટનો હુકમ મહેસાણા સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જે કેસમાં સેશન્સ કોર્ટે તમામ ૧૦ આરોપીઓની સજા રદ કરી નિર્દોષ છોડ્યા છે.
૨૦૧૭માં ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ હેતુથી મહેસાણાથી ધાનેરા સુધી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ’આઝાદી કુચ’ના નામથી રેલી યોજવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૭માં મંજૂરી વગર રેલી યોજવા મામલે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત ૧૦ લોકોને મહેસાણા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે ૩ માસની જેલ અને ૧૦૦૦ રૂપિયાના દંડની સજા ફરમાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિતના તમામ આરોપીઓએ સજા માફીની માંગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી ગ્રાહ્ય રાખી હતી. આજે મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ સહિત તમામ દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
મહેસાણામાં ૨૦૧૭માં મંજૂરી વગર રેલી યોજવા મામલે જીગ્નેશ મેવાણી. સુબોધ પરમાર, કૌશિક પરમાર, રેશમા પટેલ, ગીરીશ (રમુજી) પરમાર, જોઈતાભાઈ પરમાર, ખોડાભાઈ, અરવિંદભાઇ, ગૌતમભાઈ, કપિલભાઈ શાહનો સમાવેશ થતો હતો. પરંતુ હાલ તમામ નિર્દોષ છૂટ્યા છે.