5 સપ્ટેમ્બર – શિક્ષકદિન વિશેષ:દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાની બોઘડવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભારતસિંહ રાઠવાની પ્રતિભાશાળી શિક્ષક તરીકે રાજ્યકક્ષાએ પસંદગી

  • દાહોદના શિક્ષક ભારતસિંહ રાઠવાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં સમગ્ર દાહોદ જીલ્લાનું ગૌરવ વધ્યું.
  • શિક્ષક તરીકેના કાર્યકાળ તરીકે અત્યાર સુધીમાં ભારતસિંહ રાઠવાએ 25 વર્ષ વિતાવ્યા.
  • આજના બાળકો મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે દિશા ભૂલ્યા છે, બાળકોના હાથમાં મોબાઈલની જગ્યાએ પુસ્તક હશે ત્યારે બાળકો સાચી દિશા પકડી શકશે-શિક્ષક ભારતસિંહ રાઠવા.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 મી સપ્ટેમ્બરને દેશભરમાં ’શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે છે. ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. દરેક માનવના જીવનમાં શિક્ષકનો મુખ્ય ફાળો રહેતો હોય છે. કોઈપણ માણસની સફળતા પાછળ શિક્ષકનો મોટો રોલ હોય છે.આપણને એકડો ઘૂટવાની સાથે શરૂઆત કરીને આપણને છેલ્લું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શિક્ષક સતત વ્યસ્ત રહેતો હોય છે.

હા, કહેવાય છે ને કે, કોઈપણ માતા – પિતાને જેટલી ચિંતા પોતાના બાળકના અભ્યાસની નથી હોતી એટલી વધારે ચિંતા શિક્ષક એક વિદ્યાર્થીને જ્યાં સુધી તે અભ્યાસમાં પાવરધો ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. પોતાની શાળાના બારણે આવેલ તમામ બાળક અભ્યાસમાં આગળ વધી જ્ઞાનરૂપી ભાથું પોતાનામાં ભરીને જાય એ જ નિસ્વાર્થ ભાવના સાથે શિક્ષકનું મનોમંથન ચાલતું હોય છે.

અહીં વાત છે એક એવા શિક્ષકની, જેઓએ પોતે પોતાની નાનકડી શાળામાં ફરજના ભાગરૂપે બાળકોના આંતરિક તેમજ બાહ્ય વિકાસ પણ થાય એ માટે સતત પ્રયત્નો કર્યા છે. દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ વાંદર ગામના રહેવાસી એવા ભારતસિંહ બાદરસિંહ રાઠવા. તેઓએ 1998 ની સાલમાં 7 ડિસેમ્બરના રોજથી પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 25 વર્ષના શિક્ષક તરીકેના કાર્યકાળ દરમ્યાન અત્યારે તેઓ માળ ફળીયા વર્ગ, બોઘડવા, પ્રથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે પોતાની ફરજ વર્ષોથી બજાવી રહ્યા છે.

રાજ્ય સ્તરનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારંભ અમદાવાદમાં યોજાવાનો છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા દાહોદના શિક્ષક ભારતસિંહ રાઠવાને ’શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ – 2024’ એનાયત થશે. પ્રાથમિક અને માધ્યમિક કેટેગરીના શિક્ષકો માટે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્યના કુલ 27 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાની બોઘડવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભારતસિંહ રાઠવાની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે જે સમગ્ર દાહોદ જીલ્લા માટે ગૌરવની બાબત ગણી શકાય છે.

શિક્ષક ભારતસિંહ રાઠવા જણાવે છે કે, વિદ્યાર્થીઓનું મૂલ્ય તેમના શિક્ષકો થકી અંકાય છે. અમારી શાળા અંતરિયાળ ગામમાં આવેલી છે, ભલેને નાનકડી પણ એના સિદ્ધાંતો એટલા જ ઊંચા રાખીએ છીએ. અમે સ્ટાફ સહિત બાળકોના અભ્યાસની સાથોસાથ રમત – ગમત ક્ષેત્રે પણ એમનો વિકાસ થાય તે માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ. અમારી આ નાનકડી શાળાના બાળકો રાષ્ટ્રીય લેવલ, રાજ્ય લેવલ તેમજ જીલ્લામાં પણ ઉત્કૃષ્ટ દેખાવો કરે છે. એનો મને ગર્વ છે અને એની પાછળ શાળા સ્ટાફ સહિત બાળકોની પણ દિવસ – રાતની મહેનત છે. શાળા વિકાસકાર્યોમાં ગામલોકોએ પણ પૂરતો સહયોગ આપ્યો છે.

શિક્ષક દિન નિમિતે પોતાનો સંદેશો આપતાં શિક્ષક ભારતસિંહ રાઠવા કહે છે કે, આજના બાળકો મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે દિશા ભૂલ્યા છે, જ્યારે બાળકોના હાથમાં મોબાઈલની જગ્યાએ પુસ્તક હશે ત્યારે બાળકો સાચી દિશા પકડી શકશે. તેઓ ભણે, ગણે અને આગળ વધી પોતાના આર્થિક ઉપાર્જન માટે સતત મહેનત કરે તો જ શિક્ષકને સાચા અર્થમાં બાળકની કેડી કંડાર્યાંનો સંતોષ મળશે. આજના બાળકો પોતાની સાચી દીધા ભૂલ્યાં છે, પોતાના અભ્યાસ અને સ્વ – વિકાસમાં આગળ વધે તેવી અપેક્ષા રાખું છું.

Don`t copy text!