“મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી આ જોબ મેં સ્વીકારી. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઇસ્કૂલમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.” આ શબ્દો છે આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં ૧૬ વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય શશિકાન્ત પટેલના, જેમની નેશનલ ટીચર્સ એવોર્ડ ૨૦૨૪ માટે પસંદગી થઇ છે.
હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે તત્પર વિનયભાઈએ શાળાની માળખાકીય સુવિધાઓને વિકસિત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા છે. તેમની શાળાની સુવિધાઓ વિશે જણાવતા વિનયભાઇએ કહ્યું, “અમારી હાઇસ્કૂલમાં અત્યારે ખૂબ જ સુંદર લાઇબ્રેરી છે જે સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. ઇન્ટરનેટ કનેક્શન પણ છે જેથી બાળકો પૂરતો અભ્યાસ કરી શકે. અહીં બાળકોની સાથે ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તો લાઇબ્રેરીમાં જવાનું જ. ”
બાળકોમાં શાળાના શિક્ષણની સાથોસાથ પ્રકૃતિ પ્રત્યે સમન્વય અને સેવાભાવનાનું ઘડતર થાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળામાં આયુર્વેદની ઔષધિઓમાં ઉપયોગી બને તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કામમાં બાળકો પણ હોંશેહોંશે જોડાય છે. સાથોસાથ વિનયભાઇ કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના સમયે ગામડાની શેરીઓમાં બાળકોને સાથે લઇ જઇને પતંગના દોરા એકત્ર કરાવી લે છે જેથી પક્ષીઓને નુક્સાન ન થાય.
પર્યાવરણની કામગીરી સાથે ૧૯૯૬થી સંકળાયેલા વિનયભાઇ જણાવે છે,”જે વૃક્ષો ઉગાડ્યા છે, ત્યાં તેની માહિતીના ચાર્ટ પણ રાખ્યા છે, જેથી બાળકોને તેના વિશે માહિતી મળે. મારો જન્મદિવસ હોય ત્યારે તમામ બાળકોને ઔષધીય ગુણોવાળા અલગ અલગ વૃક્ષ ભેટમાં આપું છું. આ રીતે બાળકોનો પ્રકૃતિ સાથે સંવાદ ગહન બને છે. પર્યાવરણનું જતન ખૂબ જરૂરી છે અને તેથી અમારી શાળામાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી.”
ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઇ કહે છે કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી છે, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આપણા બાળકો ભણે તે ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે ઘણો સફળ સાબિત થયો છે.”
વડદલા ગામની પરિસ્થિતિ અંગે જણાવતા વિનયભાઇએ જણાવ્યું કે, “અહીં આવતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. શરૂઆતમાં અહીં ૮થી ૧૦ ધોરણ સુધી અભ્યાસની સુવિધા હતી. દસમા ધોરણ બાદ આગળના અભ્યાસ માટે દીકરીઓને દૂર મોકલવામાં પરિવારજનોને અનુકૂળતા નહોતી રહેતી. આ પરિસ્થિતિ જોઇને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી અને અમને અહીં ખાસ મંજૂરી આપ્યા બાદ વર્ષ ૨૦૧૩થી ૧૧ અને ૧૨ ધોરણ શરૂ કરવામાં આવ્યા હતા. હવે ગામની દીકરીઓ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને કૉલેજ સુધી પહોંચી છે. એક દિવ્યાંગ બાળકીને અહીં રમતગમતમાં પૂરતી તાલીમ મળવાથી ખેલ મહાકુંભમાં આણંદ જિલ્લામાં તે પ્રથમ ક્રમાંક લાવી છે. આવનારા દિવસોમાં તે રાજ્યકક્ષાએ પણ મોખરે રહેશે તેવો અમને વિશ્ર્વાસ છે. ”