
મુંબઈ: મુંબઈમાં ઠાકરે જૂથની વાંસોવાસ હવે કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવકોએ પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથમાં પ્રવેશ કરવાનું શરૂ કરી દીધું છું. કૉંગ્રેસના પાંચ ભૂતપૂર્વ નગરસેવકોએ શનિવારે કૉંગ્રેસને રામ રામ કરી દીધા. આ પાંચેપાંચ નગરસેવક શિંદે જૂથમાં પ્રવેશ કરવાના છે. ખાસ નોંધવાની વાત એ છે કે આ પાંચેય નગરસેવક મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડના ધરાવી મતદાર સંઘના છે.
શિવસેનામાં ફૂટ પડ્યા પછી ગયા વર્ષ દરમિયાન મુંબઈના ઠાકરે જૂથના માજી નગરસેવકો ‘તું જા હું આવ્યો’ એમ કરી શિંદેની શિવસેનામાં પ્રવેશી ગયા હતા. અત્યાર સુધીમાં ૧૫થી વધુ માજી નગરસેવક સાથ છોડી ગયા છે. હવે શિંદે જૂથ મુંબઈમાં કૉંગ્રેસની તાકાત ઘટાડવા માગે છે. કૉંગ્રેસના પાંચ નગરસેવકોએ શનિવારે પક્ષના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. વર્ષા ગાયકવાડની કાર્યપદ્ધતિથી કંટાળી પોતે રાજીનામા આપ્યા હોવાનું નગરસેવકોએ જણાવ્યું છે. આ અગાઉ કૉંગ્રેસના અંધેરીના માજી નગરસેવિકા સુષમા રાય શિંદે જૂથમાં દાખલ થયા હતા. પાલિકાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં માજી નગરસેવકો શિંદે જૂથમાં જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.