ચાર વર્ષ પહેલા આપેલી જુબાનીના કારણે બોટાદમાં દલિતની હત્યા: પિતા-પુત્રોએ હુમલો કર્યો હતા

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, બોટાદમાં આરોપીએ હુમલો કર્યા બાદ સારવાર હેઠળ રહેલા રાજેશ મકવાણા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ તરફ હવે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે, મૃતક રાજેશ મકવાણા 4 વર્ષ પહેલાના એક હત્યા કેસમાં સાક્ષી હતા.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામના રાજેશભાઈ કેશવભાઈ મકવાણા જેઓ એક હત્યાનાં ગુનામાં પંચમાં રહ્યા હતા. રાજેશભાઈ કેશવભાઈ મકવાણા જાતે અનુજાતિ જેઓ પોતાના પરીવાર સાથે બગડ ગામે રહેશે અને તેઓ છુટક મજુરી કામ કરી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. રાજેશભાઈ મકવાણા ગત તારીખ 6-9-23 ના રોજ પોતાનું મોટરસાયકલ લઈને બપોરના બે વાગ્યાની આસપાસ દિકરાના કપડા લેવા માટે બોટાદ ગયેલ અને કપડાની ખરીદી કરી ને બગડ તરફ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેઓ બગડ જવાના રસતાપર આવેલ અક્ષરવાડી પાસે પહોંચતા તે સમયે બગડ તરફથી એક સફેદ કલરની શિફ્ટ કાર આવી મોટરસાયકલ સામે ઉભી રાખી હતી અને કારમાં બગડ ગામના ધીરૂભાઈ શાંતિભાઈ ખાચર તેમજ તેમના દિકરાઓ  હરેશભાઈ ખાચર, કિશોરભાઈ ખાચર, રઘુભાઈ ખાચર તેમજ તેજ સમયે ખસ ગામ તરફથીએક અલ્ટો કાર આવી હતી. જેમાથી ત્રણ શખ્સો લોખંડની પાઈપ, ફરશી સહિતના હથીયારો સાથે ઉતરી જીવલેણ હુમલો કરી તમામ લોકો નાસી છુટ્યા હતા. આ તરફ જ્યારે ઈજાગ્રસ્ત રાજેશભાઈ મકવાણાને સારવાર માટે બોટાદ ખસેડેલ પરંતુ તેઓને વધુ ગંભીર ઈજાઓને લઈને ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ તરફ ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ મથકના પી.એસ.આઈ સરવૈયા સહિત પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયા હતા અને રાજેશભાઈ મકવાણા પોતે જાળીલા ગામે થયેલ હત્યાનાં બનાવમાં પંચ તરીકે હોય જેની દાઝ રાખીને બગડ ગામના ધીરુભાઈ શાંતિભાઈ ખાચર, હરેશભાઈ ધીરુભાઈ ખાચર, કિશોરભાઈ ધીરુભાઈ ખાચર, રઘુભાઈ ધીરુભાઈ ખાચર તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યાનું પોલીસને જણાવ્યું હતું. જેને લઈ રાણપુર પોલીસે સાતેય શખ્સો વિરુદ્ધ કલમ 307, 325, 324, 427, 143, 147, 148, 149, 506-2 તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી પોલીસે આરોપીઓને પકડવા ચકો ગતીમાન કર્યા હતા.

બોટાદ જિલ્લાના રાણપુરના બગડ ગામે રાજેશભાઈ મકવાણા ઉપર કરાયેલ જીવલેણ હુમલા મામલે બોટાદ DySP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, બગડ ગામે રાજેશભાઈ મકવાણા ઉપર કરાયેલ હુમલામાં 7 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ હરેશ ધીરુભાઈ, કિશોરભાઈ ધીરુભાઈ અને રઘુભાઈ ધીરુભાઈને પોલીસે ગણતરીની કલાકોમાં ધડપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ સાથે અન્ય ફરાર આરોપીઓને ઝડપવા પોલીસ દ્વારા અલગ અલગ ટિમ બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. હાલ ઝડપાયેલા આરોપી પૈકીના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા હોય અને પોલીસ દ્વારા તે મામલે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ તરફ બોટાદ કેસમાં ભાવનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રાજેશ મકવાણા નામના અનુસૂચિત જાતિના વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ તરફ હવે બોટાદના બગડ ગામમાં મૃતકના ઘર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે હવે પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દિધો છે.

સમગ્ર ઘટનાને લઈ મૃતકના કાકાએ કહ્યું કે, અમને ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારીએ. તેમણે કહ્યું કે, સાક્ષી હોવાથી અદાવત રાખી રાજુભાઈ પર હુમલો કરાયો હતો. આ સાથે તેમણે કહ્યું કે, SPની બદલી કરવામાં આવે તેમજ અમને ન્યાય મળે. 

આ તરફ બોટાદના બગડ ગામે થયેલી રાજેશ મકવાણાની હત્યા મુદ્દે MLA જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, રાજ્યમાં દલિતની હત્યાનો સિલસિલો યથાવત. રાજેશ મકવાણા મનજી સોલંકી હત્યાના સાક્ષી હતા. તેમણે કહ્યું કે, આ નવમી ઘટના છે જેમાં પોલીસ સુરક્ષા મંગાઈ હતી. મનજીભાઈએ પણ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, રાજેશ મકવાણા મનજી સોલંકી હત્યાના એકમાત્ર સાક્ષી હતા. આ સાથે ઉમેર્યું કે, અમે મૃતદેહનો સ્વીકાર કરવાના નથી,
આવી ઘટના ફરી ન બનવી જોઈએ.