ચાર આઇપીએસ અધિકારીઓને સ્વરૂપવાન યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ચર્ચા

અમદાવાદ,

ગુજરાતમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત પોલીસે એક-બે નહીં છ-છ આઇપીએસ ઓફિસર સુંદરતાની આ જાળમાં ફસાઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે હનીટ્રેપ કરનારી યુવતીએ ઓફિસરો પાસેથી મોટી રકમ પડાવી લીધી છે. તે બાદ પણ પોલીસના આ ઓફિસરો મોઢુ ખોલવા તૈયાર નથી. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસના સિનિયર ઓફિસરોમાં હડકંપની સ્થિતિ છે.

મયપ્રદેશના ઇન્દોરની આકાંક્ષા (નામ બદલ્યુ છે) આશરે આઠ મહિના પહેલા ગાંધીનગર સ્થિત કરાઇ ટ્રેનિંગ એકેડેમીમાં ઘોડેસવારી શીખવા માટે આવી. સોશિયલ મીડિયા મેસેજ દ્વારા યુવતીએ સૌથી પહેલા એક યુવા આઇપીએસ ઓફિસરનો સંપર્ક કર્યો. ઘીમે ધીમે નિકટતા વધી તો યુવતીએ આઇપીએસને હનીટ્રેપ કરી લીધો. એવી ચર્ચા છે કે યુવા ઓફિસર પાસેથી તેણે લાખો રૂપિયા પડાવી લીધા. તે બાદ એક એક કરીને આ યુવતીએ છ આઇપીએસ ઓફિસરોને પોતાની જાળમાં ફસાવ્યા અને કરોડો રૂપિયા વસૂલ્યા. તેમાંથી ચાર આઇપીએસ ઓફિસર તો સંપૂર્ણ રીતે તેની જાળમાં ફસાઇ ગયા, જ્યારે બે ઓફિસર તેની જાળમાં ફસાતા પહેલા જ બચી નીકળ્યા.

કરાઇ પોલીસ એકેડેમીમાં આઠ મહિના પહેલા આ હાઇપ્રોફાઇલ હનીટ્રેપની ઘટનાની જાણ થઇ હતી. અહીં ઘણા આઇપીએસ ઓફિસરોને યુવતીએ પોતાની જાળમાં ફસાવી લીધા હતા. હનીટ્રેપ અને રૂપિયાની વસૂલી સાથે જોડાયેલા આ મામલે અંદરખાને ખૂબ ચર્ચા થઇ રહી છે, પરંતુ ફસાયેલા આઇપીએસ ઓફિસર ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓના મેસેજ, ફોટો અને વીડિયો આ યુવતી પાસે છે.

હનીટ્રેપના આ હાઇપ્રોફાઇલ મામલામાં ફસાયેલા છ આઇપીએસમાંથી એક યુવા આઇપીએસના ઘર સુધી મામલો પહોંચ્યો. સૂત્રોએ જણાવ્યા અનુસાર હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા આઇપીએસ ઓફિસરે એક કરોડ રૂપિયા આપવા પડ્યા. તેમ છતાં પણ આઇપીએસ ઓફિસર ફરિયાદ નોંધાવવા માટે તૈયાર નથી.આ હનીટ્રેપમાં ૪ આઇપીએસ ફસાઇ ગયા તો બે ઓફિસરના નસીબ સારા રહ્યા. શરૂઆતમાં જ્યારે તેમને કેટલીક શંકા ગઇ ત્યારે તેમણે યુવતીથી અંતર જાળવી લીધું. આ અધિકારીઓને યુવતીના મિત્રતા કેળવવાના અંદાજથી શંકાઇ ગઇ. તે બાદ આખરે તેઓ બચી નીકળ્યા.

હનીટ્રેપના આ મામલે આમ તો સીધી કોઇ ફરિયાદ કરવામાં નથી આવી. પરંતુ ગુજરાત પોલીસના મોટા અધિકારીઓ સાથે જોડાયેલા આ મામલે યુવતીનો પત્તો મળી ગયો છે. તેના માટે ગુજરાત પોલીસને છ મહિના સુધી મહેનત કરવી પડી. યુવતી ઇન્દોરની રહેવાસી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે યુવતીની ઓળખ થયા બાદ હનીટ્રેપમાં ફસાયેલા આઇપીએસ અધિકારીઓને યુવતીની તસવીર બતાવવામાં આવી, જેમને તે મેસેજ મોકલતી હતી. તેમણે યુવતીને ઓળખી લીધી, પરંતુ ફરિયાદ કરવાનો ઇનકાર કરી દીધો. યુવતીની ઓળખ સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યુ છે. અધિકારીઓએ યુવતીના પરિવારને મળીને આ પ્રકારની એક્ટિવિટીથી દૂર રહેવાની સલાહ આપી છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે કે કોઇ અન્ય વ્યક્તિ આ હનીટ્રેપનો શિકાર બન્યા છે કે કેમ. જો પોલીસને આ અંગે ફરિયાદ મળે તો તે આ કેસમાં કાર્યવાહી કરશે.