૪.૫૮ લાખના ડ્રગ્સ સાથે જેતપુરનો રિઝવાન ખત્રી ઝડપાયો

રાજકોટ, રાજકોટ રૂરલ એસઓજીની ટીમે વિરપુર-જેતપુર વચ્ચે નેશનલ હાઇવે પર પીઠડીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રૂ ૫૮,૦૦૦ની કિંમતના ૪૫.૮ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રિઝવાન ગફાર છાંટબાર (ઉ.વ.૪૦, રહે.નાના ચોક, નગર શેરી, જેતપુર)ને ઝડપી લીધો હતો.

આ અંગે મળતી વિગત મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં નશાની બદી અટકાવવા રેન્જ આઈજી અજયકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડની સૂચના હતી.જે અનુસંધાને રાજકોટ રૂરલ એસઓજીના પીઆઈ કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે પીઆઈ જાડેજાને બાતમી મળી હતી કે, પીઠડીયા ગામના બસ સ્ટેન્ડ નજીક આરોપી રિઝવાન ડ્રગ્સ લઈને આવનાર છે.

જેથી એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી બસ સ્ટેન્ડ પાસે દેખાતા તુરંત તેને દબોચી લીધો હતો. તેના પેન્ટના ખિસ્સામાંથી ડ્રગ્સની પ્લાસ્ટિકની ઝીપ વાળી પડીકી મળી આવેલી. જેમાં એમડી ડ્રગ્સ હોવાનો પ્રાથમિક રિપોર્ટ સ્થળ પર આવેલા એફએસએલ અધિકારીએ આપ્યો હતો. હાલ ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન અને રૂ .૩૮૦૦ની રોકડ કબ્જે કરી હતી. આરોપી કોની પાસેથી ડ્રગ્સ લાવ્યો કોને પહોંચાડવાનો હતો? વગેરે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. વિરપુર પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ થયો છે અને ગોંડલ પીએસઆઈ ડી.પી.ઝાલાને વધુ તપાસ સોંપાઈ છે.

આ કામગીરીમાં એસઓજીના પીઆઈ કે.બી.જાડેજા, પીએસઆઈ બી.સી.મિયાત્રા, હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઇ દાફડા, વિજયભાઇ વેગડ, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, કાળુભાઇ ધાધાલ, અમિતભાઇ ગઢવી, નરશીભાઇ બાવળીયા, વિરપુર પોલીસ મથકના એમ.જે. પરમાર, એએસઆઇ અનિલભાઇ ધંધુકીયા ફરજ પર રહ્યા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ રિઝવાન ડ્રગ્સનો બંધાણી છે. નશાના રવાડે ચડ્યા પછી થોડું વેચે અને થોડું પીવે એ રીતે ડ્રગ્સ પેડલર બની ગયો છે. તે કોને કોને વેચે છે તે અંગે પૂછપરછ થશે. પ્રાથમિક પૂછપરછમાં મુંબઇથી ડ્રગ્સ લાવ્યાનું ખુલ્યું છે. આ પ્રથમ વખત નથી. આ પહેલા બે વખત મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો. આ તેની ત્રીજી ખેંપ હોવાનું સામે આવ્યું છે. રિઝવાન આમ તો છૂટક મજૂરી કરે છે. તે કોઈના કહેવાથી ડ્રગ્સ લાવતો કે પછી પોતાની રીતે જ વેચતો? તે અંગે રિમાન્ડ દરમિયાન પૂછપરછ થશે. હાલ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે.

રાજકોટ રૂરલ એસઓજી ટીમ પીઠડીયા ટોલ નાકા આસપાસ રેડ માટે જવા તૈયારી કરી રહી હતી ત્યારે જ વિરપુર પોલીસના પીએસઆઈ એમ.જે. પરમાર અને એએસઆઇ અનિલભાઇ ધંધુકીયા ત્યાં પહોંચેલા. તેમની સાથે દેવભૂમિ દ્વારકા એસઓજીના એએસઆઇ ઈરફાનભાઈ ખીરા અને કોન્સ્ટેબલ વિજયસિંહ જાડેજા આવ્યા હતા. પીએસઆઈ પરમારે એસઓજી પીઆઈને વાકેફ કર્યા હતા કે, દેવભૂમિ દ્વારકાના એનડીપીએસના ગુનામાં રિઝવાન છાંટબાર નાસતો ફરતો આરોપી છે. જેની શોધમાં તે બન્ને પોલીસ કર્મી વિરપુર પોલીસ મથકે આવેલા. આમ જોગાનુજોગ આ પોલીસ કર્મીઓ પણ રેડમાં જોડાઈ ગયા હતા.