સ્કૉટલૅન્ડમાં કૅર્નગોર્મ્સ નૅશનલ પાર્કની બહાર સુંદર ટાઉન પિટલોકરીની એક હોટેલમાં શેફ તરીકે કામ કરતા બે યંગસ્ટર્સે ૧૯૯૦ની ચોથી ઑગસ્ટે આકાશમાં કંઈક જોયું અને એ યુએફઓ હોવાનું માનીને એના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. તેઓ એ ફોટોગ્રાફસ લઈને એક ન્યુઝપેપરની ઑફિસમાં ગયા હતા.
એ પછી ન્યુઝપેપરની ઑફિસ દ્વારા નેગેટિવ સહિત આ ફોટોગ્રાફ્સને સંરક્ષણ મંત્રાલયને મોકલી દેવાયા.
એ પછીથી એ ફોટોગ્રાફ્સ ગાયબ થઈ ગયા અને આ બન્ને શેફ પણ ગાયબ થઈ ગયા.
આ ફોટોગ્રાફ્સને સીક્રેટ રાખવા માટે પૂરાં પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં ૩૨ વર્ષ બાદ હવે આ બન્ને શેફે ક્લિક કરેલો એક ફોટોગ્રાફ બહાર આવ્યો છે.
રૉયલ ઍરફોર્સના નિવૃત્ત ઑફિસર ક્રેગ લિન્ડસેએ પ્રોટોકૉલ તોડીને એક ફોટોગ્રાફની કૉપી પોતાની પાસે રાખી હતી. એક થિયરી એ પણ છે કે આ વાસ્તવમાં અમેરિકાનું ટૉપ સીક્રેટ ઓરોરા સ્પાય પ્લેનનો આ ફોટોગ્રાફ હોઈ શકે છે. ૧૯૯૧માં બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે એ વાત ફગાવી દીધી હતી કે અમેરિકાને એના આ સ્પાય પ્લેન યુકેની ઍરસ્પેસ પરથી ઉડાડવા કે લૅન્ડ કરવા માટેની પરમિશન આપવામાં આવી હતી.