૩૧મી ડિસેમ્બરની સાંજે થનારી પાર્ટીઓ પર મુંબઈ પોલીસની કડક નજર રહેશે

મુંબઈ,

નવા વર્ષના આગમનને આડે ગણતરીના દિવસો બચ્યાં છે, ત્યારે આ વર્ષની આખરી સાંજ અર્થાત્ જ ’થર્ટી ફસ્ટ નાઈટ’ને યાદગાર બનાવવા લોકો પોતપોતાની રીતે આયોજન કરી રહ્યાં છે. જ્યારે બીજી તરફ મુંબઈ પોલીસ પણ આ સમયે સંભવિત અણબનાવોને રોકવાની તૈયારી કરી રહી છે અને તેમની નજર આવી પાર્ટીઓનું આયોજન કરનારા આયોજકો પર રહેશે.

નવા વર્ષની પાર્ટીમાં ઘણા લોકો ડ્રગ્સની વ્યવસ્થા પણ કરતાં હોય છે. તે માટે અન્ય રાજ્યમાંથી પણ ડ્રગ્સનો પુરવઠો મગાવાય છે. આથી આવી પાર્ટીના આયોજકો એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના રડાર પર છે. જોકે હાલમાં જ પોલીસે ડ્રગ્સ પાર્ટી માટે રાજસ્થાનથી આવેલ ડ્રગ્સનો જથ્થો પકડયો હતો અને તેના આધારે કેટલાંક લોકોની ધરપકડ પણ કરાઈ છે. થર્ટી ફર્સ્ટ નાઈટને લીધે દારુ, ચરસ, હેરોઈન, એમડીની માર્કેટમાં તેજી આવી હોવાનું સ્પષ્ટ છે. મોટા લાભને યાનમાં લઈ અનેક પબ,ડિસ્કો, રિસોર્ટ, લૉન્જમાં પાર્ટી આયોજિત થશે અને તેમાં ખાસ યુવાઓ પણ જોડાશે. આથી પોલીસ સતર્ક બની ગઈ છે.

સૂત્રોના કહ્યાનુસાર, નવા વર્ષની પાર્ટીમાં ડ્રગ્સની કિમત બમણી થઈ જાય છે. તેની માગણી પણ વધી જતાં માલ બ્લેકમાં વેંચાય છે. જે ૧૦૦ ગ્રામ ચરસ આશરે ૫૦૦૦ રુપિયામાં મળે છે, તેનો જ માર્કેટ ભાવ આ સમયે દસ હજાર રુપિયાએ પહોંચી જાય છે. એજ રીતે એક ગ્રામ અફીણના ૩ હજાર રુપિયા, ૧૦ હજાર રુપિયે એક કિલો ગાંજો એવા ભાવ બોલાય છે. આથી પોલીસ તસ્કરોની યાદી તૈયાર કરી તેમની ઝડતી લેવાની તૈયારીમાં પણ છે.