- મૃતક દારૂ પીવાની ખરાબ આદત હતી અને તે ઘણીવાર દારૂના નશામાં હંગામો મચાવતો હતો.
કોલકતા,
પશ્ચિમ બંગાળના બરુઈપુર શ્રદ્ધા હત્યા કેસ જેવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી લાશના છ ટુકડા કરી નાખ્યા, મામલાને દબાવવા માટે આ ટુકડાઓ છુપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે જ સમગ્ર ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે આ કૃત્યમાં મૃતકની પત્ની પણ તેના પુત્રનો સાથ આપી રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પર ગણા જિલ્લાના બરુઇપુરમાં ૧૫ નવેમ્બરના રોજ ઉજ્જવલ ચક્રવર્તી નામના વ્યક્તિના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેને દારૂ પીવાની ખરાબ આદત હતી અને તે ઘણીવાર દારૂના નશામાં હંગામો મચાવતો હતો. ૧૪મી નવેમ્બરે પણ પરિવારમાં ઝઘડો થયો હતો, જેનો પરિવારજનોએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો ન હતો. પોલીસે આ અંગે પુત્રની કડક પૂછપરછ કરી તો સમગ્ર સત્ય સામે આવ્યું.
પોલીસએ જણાવ્યું કે, ’મૃતક નેવીમાંથી નોન-કમિશન્ડ રિટાયર્ડ ઓફિસર હતો. તેના શરીરના ઉપરના ભાગના કેટલાક ટુકડા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. હવે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરીરનો એક ભાગ મળી આવ્યો છે જ્યારે બાકીની શોધ ચાલી રહી છે. એસપી પુષ્પાએ જણાવ્યું કે ૧૪ નવેમ્બરે ઉજ્જવલ ચક્રવર્તીનું તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેના પુત્રએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ પછી પુત્રએ માતા સાથે મળીને કાવતરાને અંજામ આપ્યો.હત્યાના ૩-૪ કલાક પછી પણ જ્યારે માતા-પુત્રને શું કરવું તે સમજાતું નહોતું ત્યારે તેઓએ આ ઘટનાને દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસની જેમ અંજામ આપવાનું નક્કી કર્યું. પુત્રએ તેના પિતાના ૬ ટુકડા કર્યા. થોડા દિવસો પહેલા ઘરમાં લાકડાનું કામ કરવામાં આવ્યું હતું, તેથી જ ઘરમાં આરી પહેલેથી જ હતી. જેમાંથી મૃતદેહને કાપી નાખ્યો હતો. ઘરમાં લોહીના ડાઘા ન લાગે તે માટે લાશને બાથરૂમમાં કાપી નાખવાનો માતાનો વિચાર હતો. બાથરૂમમાંથી લોહી ધોવાનું સરળ બનશે.
મળતી માહિતી મુજબ સાંજે ૬.૩૦ વાગ્યે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. રાત્રે ૯ વાગ્યાથી મૃતદેહને કાપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. રાત્રે ૧૨.૩૦ વાગ્યે માતા-પુત્ર દ્વારા મૃતદેહનો એક ભાગ બહાર નાખી દેવામાં આવ્યો હતો. ઘરે પરત ફરીને શરીરનો બીજો ભાગ કાપવાનું શરૂ કર્યું. સવારે ૪ વાગ્યા સુધી મૃતદેહ કાપવાની કામગીરી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પુત્ર પોલીટેકનિકની પરીક્ષા આપવા ચેન્નાઈ જવા માંગતો હતો. એટલા માટે તે તેના પિતા પાસેથી ૩૦૦૦ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. જેને લઈને ઘરમાં ઝગડો થયો હતો. પિતાના રોજના વર્તનથી કંટાળેલા માતા પુત્રએ આ ઝગડા બાદ હત્યા નીપજાવી હતી.