૩૦ જવાનો સામે કેસ ચલાવવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ

નાગાલેન્ડ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં એક રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જે અનુસાર, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં સેનાના ૩૦ જવાનો સામે કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નાગાલેન્ડ પોલીસે આ સૈનિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને રોકવાના ઓપરેશન દરમિયાન ૧૩ નાગરિકોની હત્યા કરવા બદલ એફઆઇઆર નોંધી છે.

અરજી દાખલ કરતી વખતે રાજ્યના એડવોકેટ જનરલ જે.બી.પારડીવાલાએ કહ્યું હતું કે પોલીસ પાસે મહત્વના પુરાવા છે, જે આ સૈનિકો સામેના આરોપોને સાબિત કરી શકે છે. કેન્દ્ર સરકાર, મનસ્વી રીતે કામ કરીને, તેમની સામે કાર્યવાહી કરવામાં અને મૃતકોને ન્યાય મેળવવામાં રોકી રહી છે. નાગાલેન્ડ સરકારે કહ્યું કે કેન્દ્ર સરકાર વતી આ કેસની તપાસ કરવા આવેલી ટીમે ન તો રાજ્ય પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પર યાન આપ્યું અને ન તો યોગ્ય રીતે તપાસ કરી. તેણે પોતાનો રિપોર્ટ મનસ્વી રીતે તૈયાર કર્યો અને આ સૈન્યના જવાનો સામે કાર્યવાહી ન કરવા આદેશો જારી કર્યા છે

અરજીના જવાબમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલયને ૪ અઠવાડિયામાં જવાબ દાખલ કરવા નોટિસ ફટકારી છે. જુલાઈ ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે આ સૈનિકો પર કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. કારણ કે ત્યારબાદ તેમની પત્નીઓ વતી અરજી દાખલ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર કેન્દ્રની મંજૂરી લીધા વિના તેમના પતિઓ પર કાર્યવાહી કરી રહી છે. તેણે એફઆઈઆર રદ કરવાની પણ માંગ કરી હતી, ત્યારબાદ નાગાલેન્ડ સરકારે કેન્દ્ર પાસેથી મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્રએ ગયા વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. રાજ્ય સરકારે કહ્યું કે સેનાએ કોલસાની ખાણના કામદારોને લઈ જતી કાર પર કોઈપણ પૂછપરછ કર્યા વગર ગોળીબાર કર્યો હતો. જેમાં કુલ ૬ લોકોના મોત થયા હતા.

સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ લોકો બંદૂકોથી સજ્જ હતા અને કાળા કપડા પહેરેલા હતા, અમને જોતા જ તેઓ કારમાંથી કૂદી પડ્યા હતા. આ ઘટના બાદ નજીકના ગ્રામીણો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ૭ નાગરિકો અને એક સૈનિક માર્યા ગયા હતા. રાજ્ય સરકારનું કહેવું છે કે સેનાના જવાનોને આ વિસ્તારની જાણ નથી અને અહીં બંદૂકો લઈને ફરવું સામાન્ય બાબત છે. રાજ્ય પોલીસની વિશેષ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ પુરાવા કેન્દ્રને મોકલવામાં આવ્યા હતા.