દેશમાં થયેલા ૩૦ હજાર કરોડના કૌભાંડની સ્ટોરી હંસલ મેહતા સ્ક્રીન પર દેખાડશે.

મુંબઇ,
સ્કેમ ૧૯૯૨ અને સ્કૂપ જેવી દમદાર વેબસરીઝ પછી હંસલ મહેતા ફરી એક વખત નવી વેબસરીઝ સાથે આવી ગયા છે. હંસલ મહેતાની નવી સિરીઝ સ્કેમ ૨૦૦૩ નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સ્કેમ ૨૦૦૩ ધ તેલગી સ્ટોરી દેશમાં થયેલા ૩૦,૦૦૦ કરોડના સ્ટેમ્પ પેપર કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ છે. આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આ વેબ સિરીઝ ૨ સપ્ટેમ્બર થી સોની લિવ પર જોવા મળશે.

સ્કેમ ૨૦૦૩ ધ તેલગી સ્ટોરીના ટિઝરમાં જોવા મળે છે કે દેશમાં ૧૯૯૨માં હર્ષદ મહેતાનું સ્કેમ બહાર આવ્યું હતું. ત્યારે આ કૌભાંડ વિશે જાણીને લોકો હચમચી ગયા હતા. પરંતુ ૨૦૦૩માં એવું કૌભાંડ સામે આવ્યું જેની સામે ૧૯૯૨ નું સ્કેમ તો ટ્રેલર હતું. ૨૦૦૩માં દેશનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડ કેવી રીતે કરવામાં આવ્યું અને તેનું પરિણામ શું આવ્યું તે બધું જ વેબ સિરીઝમાં જોવા મળશે.

જણાવી દઈએ કે સ્કેમ ૨૦૦૩ ધ તેલગી સ્ટોરી નકલી સ્ટેમ્પ પેપર પબ્લિશ કરવાના કૌભાંડ પર આધારિત છે. જેમાં તેલગીએ નકલી સ્ટેમ્પ પેપર પબ્લીશ કરવા માટે મશીન ઉપર ૩૦૦ થી વધુ લોકોને કામે રાખ્યા હતા. આ કૌભાંડમાં બેંકો, વીમા કંપનીઓ અને અન્ય અનેક લોકોની સાથે છેતરપિંડી થઈ હતી. આ કૌભાંડ ૩૦ હજાર કરોડ રૂપિયાનું હતું.