નવીદિલ્હી, આજે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી નવા ભરતી થનારા ૭૦ હજાર લોકોને નિમણૂક પત્ર આપ્યા હતા, ત્યારે કોંગ્રેસ આ મામલે કટાક્ષ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દેશમાં ત્રણ વર્ષમાં હજારો નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. સરકારી વિભાગોમાં પણ હજારો પદ ખાલી છે, ત્યારે વડાપ્રધાન નિણમૂક પત્રો આપવાનું નાટક કરી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, દેશમાં લગભગ ૩ વર્ષમાં ૨૦,૦૦૦ એમએસએમઇ ઉદ્યોગો બંધ થઈ ગયા છે… જ્યારે સરકારી વિભાગોમાં ૩૦ લાખ પદો ખાલી છે, પરંતુ ‘ઈવેન્ટ-જીવી મોદી સરકાર’ના વડા મોદીજી હપ્તાની જેમ ભરતી પત્રો વહેંચીને એવું બતાવી રહ્યા છે કે, તેમણે પ્રતિ વર્ષ ૨ કરોડ નોકરીઓ આપવાનું ભાજપનું વચન પૂર્ણ કર્યું હોય… અરે ભાઈ… તે સરકાર માન્ય જગ્યાઓ છે, આ જગ્યાઓ તો ઘણા સમય પહેલાં જ ભરવી જોઈતી હતી.
ખડગેએ વધુમાં લખ્યું કે, છેલ્લા ૯ વર્ષમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા સહિત વગેરે ઈવેન્ટોનું આયોજન કરાયું, પરંતુ મોદી સરકારની ખોટી નીતિઓનો ભોગ બનવું પડ્યું… કરોડો યુવાઓની નોકરીઓ ખતમ થઈ ગઈ… તેમનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું… જેની સૌથી વધુ અસર એસસી, એસટી, ઓબીસી, ઈડબલ્યૂએસના લોકોને થઈ… દેશના યુવાનો હવે સહન નહીં કરે…. આ યુવા વિરોધી સરકારને જવું પડશે… ભારત જોડાશે, ઈન્ડિયા જીતશે…
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે ૭૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આજે જે લોકોને નિયુક્તિ પત્રો મળી રહ્યા છે, તેમના માટે આજનો દિવસ યાગદાર દિવસ છે અને દેશ માટે પણ ખુબ જ ઐતિહાસિક દિવસ છે.