શેરબજાર(Share Market)માં સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વધારો જોવા મળ્યો હતો પરંતુ આ વધારો ખુબ ઓછો રહ્યો છે. જો કે, એવું નથી કે આમ છતાં રોકાણકારોએ બજારમાં મોટી કમાણી કરી નથી. અસલમાં શુક્રવારે ઘણા નવા અને જૂના સ્ટૉકમાં એટલું વળતર મળ્યું છે કે લોકો એક વર્ષની FDમાં પણ મેળવી શકતા નથી.
સિરમા એસજીએસ ટેક્નોલોજીનું જોરદાર લિસ્ટિંગ થયું હતું જ્યારે નેલ્કો અને સૂર્યા રોશનીના શેરમાં પણ વધારો નોંધાયો હતો. ખાસ વાત એ છે કે આ બધામાં તેજી કંપની પ્રત્યે રોકાણકારોના વધી રહેલા વિશ્વાસને કારણે જોવા મળી છે.
સિરમા એસજીએસ ટેકનોલોજી
સિરમા SGS ટેક્નોલોજીનો શેર શુક્રવારે પ્રથમ ટ્રેડિંગ દિવસે રૂ. 220ની ઇશ્યૂ કિંમત સામે 19 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 33.18 ટકા વધીને રૂ. 293ના સ્તરે પહોંચ્યો હતો. આ શેર NSE પર 18.18 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 260 પર લિસ્ટ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 33.31 ટકા વધીને રૂ. 293.30 થયો હતો. શેર ૯૦ રૂપિયાના વધારા સાથે 310.50 રૂપિયા ઉપર બંધ થયો હતો.
નેલ્કોમાં અપર સર્કિટ લાગી
નેલ્કોના શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી છે. ટ્રેડિંગ દરમિયાન શેર 856 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. કંપનીએ માહિતી આપી છે કે તેણે ભારતમાં ઇનફ્લાઇટ કનેક્ટિવિટી માટે ઇન્ટેલસેટ કોમર્શિયલ સાથે જોડાણ કર્યું છે. આ સેવાથી મુસાફરો હવાઈ મુસાફરી દરમિયાન ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ સેક્ટરમાં ઝડપી વૃદ્ધિની તકોને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ શેરમાં ખરીદી કરી છે.
સૂર્યા રોશનીમાં 14 ટકાનો વધારો
સૂર્યા રોશનીનો શેર 14 ટકાના વધારા સાથે 433 ના સ્તરે પહોંચ્યો હતો. કંપનીના કારોબારને લઈને સકારાત્મક સંકેતોને કારણે શેરમાં આ વધારો જોવા મળ્યો છે. કંપનીએ તેના એક અહેવાલમાં કહ્યું છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે આવનારા સમયમાં આવક અને તકોમાં વધારો થશે. છેલ્લા કેટલાક સમયથી આ શેર સુસ્તી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, નવા સંકેતો સાથે તેણે અપટ્રેન્ડ નોંધાવ્યો છે.
કારોબાર લીલા નિશાનમાં બંધ થયો
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારો મજબૂતી સાથે બંધ થયા છે. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. સેન્સેક્સ 59.15 પોઈન્ટ એટલે કે 0.10 ટકા વધ્યો છે અને ઈન્ડેક્સ 58,833.87 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સ 36.40 પોઈન્ટ એટલે કે 0.21 ટકા વધ્યો છે અને ઈન્ડેક્સ 17,558.90 ના સ્તર પર બંધ થયો છે. 1968 શેરમાં ખરીદી જોવા મળી રહી છે અને 1353 શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય 146 શેરમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.