
- ત્રિપુરામાં ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ, તૃણમૂલે ‘બહારી’ કાર્ડ રમ્યું.
અગરતલા,
ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ થનારી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે શનિવારથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઇ. ત્રિપુરાની સાથે પૂર્વોતરમાં મેઘાલય અને નાગાલેન્ડમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે. ત્રણેય રાજ્યમાં ભાજપસમથત સરકારો છે. તેમાંથી ત્રિપુરા અને મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીમાં ઝંપલાવતા જંગ ત્રિપાંખિયો થઇ જવાની શક્યતા છે. તૃણમૂલ બંગાળની જેમ અહીં પણ ભાજપ સામે ‘બાહરી’ કાર્ડ રમી રહી છે. આમ તો ત્રિપુરામાં અત્યાર સુધી કોઇ પણ પક્ષે ઉમેદવાર જાહેર નથી કર્યા.
રાજ્યની ૬૦ સભ્યની વિધાનસભામાં આદિવાસી સમાજનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ થોડાં વર્ષોમાં બાંગ્લાદેશના શરણાર્થીઓ આવવાથી બંગાળી ભાષીઓની અલગ મતબેન્ક ઊભી થઈ છે. આ પરિબળો વચ્ચે ૨૦૧૮માં ભાજપે પહેલીવાર આ રાજ્યમાં મોટી જીત મેળવી હતી. તેમાં આદિવાસી મતબેન્ક મહત્ત્વની હતી. ૧૪ બેઠક ધરાવતી પશ્ર્ચિમ ત્રિપુરા બેઠકમાં ભાજપે ૧૨ બેઠક જીતી હતી.
૧૯૭૮ પછી ત્રિપુરામાં ડાબેરી પક્ષો હાવી છે. દરેક ચૂંટણી સાથે કોંગ્રેસની મતબેન્ક અને બેઠકો પણ ઘટી છે. ૨૦૧૩ની ચૂંટણીમાં ડાબેરી મોરચાએ ૫૦ બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસને દસ બેઠક મળી હતી. ૨૦૧૬માં તેમાંથી છ ધારાસભ્ય તૃણમૂલમાં જોડાઇ ગયા. આ વખતે કોંગ્રેસે ભાજપને હરાવવા તેમના પણ વિરોધી ડાબેરી પક્ષો સાથે ગઠબંધન કર્યું છે, જ્યારે તૃણમૂલ એકલપંડે લડશે. આ સ્થિતિમાં જંગ ત્રિપાંખિયો થઇ શકે છે.
ભાજપે જે ફોર્મ્યુલાથી ઉત્તરાખંડમાં રિવાજ બદલ્યો હતો, તેવી જ રીતે તે ત્રિપુરામાં મેદાનમાં છે. ૨૦૧૮માં દેવને મુખ્યમંત્રી બનાવ્યા હતા,આ ચૂંટણી પહેલાં માણિક સાહાને મુખ્યમંત્રી બનાવી દીધા. તેમણે સ્થાનિક આદિવાસી સંગઠન ઇન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. ભાજપ સામે પડકાર એ છે કે આદિવાસી અધિકાર પાર્ટી તેમની વિરુદ્ધ માહોલ બનાવી રહી છે અને કેટલાક નેતાઓ પણ પક્ષ છોડી રહ્યા છે.
અહીં નેશનલ પીપલ્સ પાર્ટીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર છે. મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. ૨૦૧૮માં કોંગ્રેસ ૨૧ બેઠક જીતીને સૌથી મોટો પક્ષ બની હતી. ત્યારે સરકાર બનાવવા ભાજપ સહિત અન્ય પક્ષોએ એનપીપીનું સમર્થન કર્યું હતું. હવે ચૂંટણી પહેલાં સંગમાએ કહ્યું છે કે અમારો પક્ષ એકલાહાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, કોંગ્રેસમાં શિલોંગ સાંસદ વિન્સેન્ટ એચ. પાલા જ આખા રાજ્યનો અગ્રણી ચહેરો છે કારણ કે, પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા ૧૨ ધારાસભ્ય સાથે પક્ષ છોડી ચૂક્યા છે.
નાગાલેન્ડ એવું રાજ્ય છે, જ્યાં તમામ પક્ષ સત્તાધારી ગઠબંધન સાથે જોડાયેલા છે. પરંતુ નગા જાતીય સંગઠનોનું વલણ કડક છે. નગા સંગઠનો કહી ચૂક્યાં છે કે જ્યાં સુધી નગા સમસ્યાનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરાશે. ભાજપે રિયોને ૪૦ અને પોતાને ૨૦ બેઠક આપવાનો પ્રસ્તાવ માની લીધો છે. ગઇ ચૂંટણીમાં પણ ભાજપ આ જ ફોર્મ્યુલા પર સંમત થયો હતો. હાલમાં જ ભાજપના ત્રણ જિલ્લા અધ્યક્ષે જેડીયુમાં જોડાઇ ગયા હતા.