ઇન્દોર,
ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ હતી. પહેલી ૨ ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ ત્રીજી મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ફરી એકવાર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ ખત્મ થઈ ગઈ હતી. બીજા દાવ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટાર્ગેટ ૧ વિકેટ ગુમાવી ચેઝ કરી લીધો હતો.
ત્રીજા દિવસની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ અશ્ર્વિને વિકેટ લઈને ભારતીય ફેન્સને ખુશ કર્યા હતા. પણ ૧ વિકેટ ગુમાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમે મેચ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે ૧ વિકેટના નુકશાન સાથે ૭૮ રન બનાવીને ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધી હતી.
ભારત આ સમયે ૨-૧થી આગળ છે. અમદાવાદમાં ૯ માર્ચથી ૧૩ માર્ચ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાશે. જો આ મેચ પર ઓસ્ટ્રેલિયા જીતશે તો સિરીઝ ૨-૨થી બરાબર થઈ જશે. ભારતીય ટીમને સિરીઝ જીતવા માટે અમદાવાદ ટેસ્ટ જીતવી જરુરી છે. ચોથી ટેસ્ટ મેચને લઈને હમણાથી જ ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ટેસ્ટ મેચ માટે ટિકિટ બુકિંગ પણ શરુ થઈ ગઈ છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહેશે.
ભારતીય ટીમ બીજો દાવમાં બીજા દિવસે ૧૬૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ સાથે જ દિવસની રમત સમાપ્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ભારતે પ્રથમ દાવમાં ૧૦૯ રન બનાવ્યા હતા. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં ૧૯૭ રન બનાવ્યા હતા અને ૮૮ રનની લીડ મેળવી હતી. આ પછી ભારતે તેનો બીજો દાવ પૂરો કર્યો જે બાદ તેણે ઓસ્ટ્રેલિયાને ૭૬ રનનો ટાર્ગેટ આપ્યો. આ વિકેટ પર આ લક્ષ્યને સરળ કહી શકાય નહીં કારણ કે આ વિકેટ સ્પિનરો માટે મદદરૂપ છે અને આવી સ્થિતિમાં ભારત પાસે ત્રણ ઉત્તમ સ્પિનરો છે. રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની સામે પણ જો કે ઓસ્ટ્રેલિયાને આની કોઈ અસર થઈ ન હતી અને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
જો કે ભારતે ત્રીજા દિવસની પ્રથમ ઓવરમાં ઉસ્માન ખ્વાજાને આઉટ કરી દીધો હતો અને એવું લાગી રહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા પર ભારે પડશે, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લેબુશેને વધુ વિકેટ પડવા દીધી ન હતી અને પોતાની ટીમને જીત અપાવી હતી. હેડ ૫૩ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ૪૯ રન બનાવીને પરત ફર્યો હતો. તે જ સમયે, લાબુશેને ૫૮ બોલમાં અણનમ ૨૮ રન બનાવ્યા હતા.