ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીમાં રોહિત શર્મા પાસે અફઘાનિસ્તાન સામે ઘણા રેકોર્ડ બનાવવાની તક હશે.

  • એક કેપ્ટન તરીકે તે ટી ૨૦ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે.

નવીદિલ્હી, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ગુરુવાર (૧૧ જાન્યુઆરી)થી શરૂ થવાની છે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી આ શ્રેણી માટે પરત ફર્યા છે. બંને ખેલાડીઓ છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં ટીમ ઈન્ડિયા માટે આ ફોર્મેટમાં રમ્યા હતા. રોહિત શર્મા પાસે અફઘાનિસ્તાન સામે ઘણા રેકોર્ડ બનાવવાની તક હશે. એક કેપ્ટન તરીકે તે ટી ૨૦ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે.

રોહિતે ટી-૨૦માં ૫૧ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેણે ૩૨.૪૮ની એવરેજથી ૧૫૨૭ રન બનાવ્યા છે. રોહિતે બે સદી અને ૧૦ અડધી સદી ફટકારી છે. ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા સ્થાને છે. આ મામલે વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ કેપ્ટન તરીકે ભારત માટે ૫૦ મેચમાં ૧૫૭૦ રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ ૪૭.૫૭ રહી છે.

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થાને છે. તેણે ૭૨ મેચમાં ૩૭.૦૬ની એવરેજથી ૧૧૧૨ રન બનાવ્યા છે. રોહિતે આ મામલે નંબર-૧ પર પહોંચવા માટે કોહલીને પાછળ છોડવો પડશે. આ માટે હિટમેનને ૪૪ રનની જરૂર છે.

રોહિત શર્માએ ૫૧ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેણે ૩૯ મેચમાં ટીમને જીત અપાવી છે. ધોનીની વાત કરીએ તો તેણે ૭૨ મેચો સુધી ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન ભારતે ૪૨ મેચ જીતી હતી. જો ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામેની શ્રેણી ૩-૦થી જીતી જાય છે તો રોહિત શર્મા ભારતનો સંયુક્ત સૌથી સફળ કેપ્ટન બની જશે. તે ધોનીની બરાબરી કરશે.

કેપ્ટન રોહિત શર્મા પાસે શ્રેણી દરમિયાન આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ચાર હજાર રન પૂરા કરવાની તક હશે. તેણે ૧૪૮ મેચમાં ૧૩૯.૨૪ની સ્ટ્રાઈક રેટથી ૩૮૫૩ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન હિટમેનની સરેરાશ ૩૧.૩૨ હતી. જો તે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ૧૪૭ રન બનાવી લે છે તો તે આંતરરાષ્ટ્રીય ટી૨૦માં ચાર હજાર રન પૂરા કરી લેશે. તેના પહેલા બે ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી છે. સુઝી બેટ્સના નામે ૧૫૨ મેચમાં ૪૧૧૮ રન છે. જ્યારે વિરાટે ૧૧૫ ટી ૨૦ મેચમાં ૪૦૦૮ રન બનાવ્યા છે.