Ahmedabad : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) માટે ખૂબ જ સારા સારા સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ (Anuj Patel) સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરવાના છે. છેલ્લા ત્રણ મહિનાથી અનુજ પટેલની બ્રેઇન સ્ટ્રોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી.રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ હવે ઘરે પરત ફરશે.
ત્રણ મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી સર્જરી કર્યા બાદ તેમની મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ હતુ. નિષ્ણાંત તબીબોના ઓબ્ઝર્વેશનમાં રહેવાનો ફાયદો અનુજ પટેલને મળી રહ્યો હતો. અનુજ પટેલનું કાર્ડીયોલોજીસ્ટ, મેડિસીન વિભાગ, ન્યુરોલોજીસલ્ટ તેમજ નેફરોલોજસ્ટ વિભાગના નિષ્ણાંત તબીબો સતત મોનીટરિંગ કરવામાં આવતુ હતુ. આ જ મોનિટરિંગના કારણે અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જોવા મળ્યો.
ઘટના બની તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઇ પહોંચ્યા હતા. થોડા દિવસ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરા સાથે હોસ્પિટલમાં હાજર જ રહ્યા હતા. તે સમયે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે તેમના દીકરાનું સ્વાસ્થ્ય જાણવા માટે પણ પહોંચી રહ્યા હતા. બાદમાં તબીબો દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને તેમના દીકરાનું સ્વાસ્થ્ય સુધાર પર હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે પછી જ તેઓ ગુજરાત પરત આવવા રવાના થયા હતા. હવે ત્રણ મહિના બાદ અનુજ પટેલના સ્વાસ્થયમાં સુધાર થતા તે આજે જ ઘરે પરત ફરશે.
મળતી માહિતી પ્રમાણે આજે મોડી સાંજ સુધીમાં જ અનુજ પટેલ અમદાવાદ પોતાના ઘરે પહોંચશે. ઘરે જતા પહેલા અનુજ પટેલ અડાલજ ત્રિમંદિરમાં દર્શન કરશે. અનુજ પટેલના સ્વસ્થ થવાના સમાચારથી CM ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.