નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કામાં દેશના ૧૨ રાજયોની ૯૫ બેઠકો પર ૭ મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન ૧,૩૫૨ ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગશે. ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) નો રિપોર્ટ મતદાન પહેલા આવી ગયો છે. આ મુજબ ત્રીજા તબક્કાના ૧૮ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. એડીઆર અને નેશનલ ઈલેકશન વોચે લોક્સભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૨ રાજયોના ૧,૩૫૨ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે.
રિપોર્ટ અનુસાર, આમાંથી ૧૮ ટકા એટલે કે ૨૪૪ ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ૧૭૨ એટલે કે ૧૩ ટકા ઉમેદવારોએ પોતાની સામે ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. પાંચ પર હત્યાનો પણ આરોપ છે.
ગુનાહિત રેકોર્ડ ધરાવતા ૨૪૪ ઉમેદવારોમાંથી પાંચ સામે હત્યા સંબંધિત આરોપો છે જયારે ૨૪ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, ૩૮ ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ઘ ગુનાઓ અને ૧૭ ઉમેદવારો સામે ઉશ્કેરણીજનક ભાષણ સંબંધિત કેસ જાહેર કર્યા છે. ૩૮ ઉમેદવારોએ મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસ જાહેર કર્યા છે અને તેમાંથી ૨ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ હેઠળ બળાત્કારના આરોપોનો સામનો કરી રહ્યા છે.
રિપોર્ટ દર્શાવે છે કે ત્રીજા તબક્કાના ૧,૩૫૨ ઉમેદવારોમાંથી ૩૯૨ (૨૯%) કરોડપતિ છે. ભાજપના ૮૨માંથી ૭૭ ઉમેદવારો એટલે કે ૯૪ ટકા અને કોંગ્રેસના ૬૮માંથી ૬૦ ઉમેદવારો એટલે કે ૮૮ ટકા કરોડપતિ છે. જયારે સમાજવાદી પાર્ટીના ૧૦માંથી ૯ ઉમેદવારો કરોડપતિ છે. તૃણમૂલ કોંગ્રેસના ૬માંથી ૪ ઉમેદવારો, શિવસેનાના ૫માંથી ૫ ઉમેદવારો અને શિવસેનાના ૨ માંથી ૨ ઉમેદવારો કરોડપતિ છે. જદયુ,રાજદ એનસીપી અને એનસીપી (એસીપી)ના ત્રણેય ઉમેદવારો કરોડપતિ છે.