ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૩ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સંપન્ન

  • ૯૩ બેઠકો પર સરેરાશ ૬૨ ટકા મતદાન થયું,આસામમાં સૌથી વધુ ૭૩ ટકા અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું ૬૨ ટકા મતદાન

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૩ બેઠકો આજે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું. કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી જવાની તો કેટલાક સ્થળોએ મતદાર યાદીમાં નામ ન હોવાની ફરિયાદો મળી હતી.જયારે કેટલાક મતદાન મથકો પર વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના અહેવાલો પણ મળ્યા છે. ત્રીજા તબક્કામાં આસામ- ૪ બેઠક,બિહાર-૫ બેઠક,છત્તીસગઢ- ૭ બેઠક,દાદરા અને નગર હવેલી-૧ બેઠક,દમણ-દીવ-૧ બેઠક ગોવા- ૨ બેઠક, ગુજરાત- ૨૫ બેઠક,કર્ણાટક-૧૪ બેઠક મધ્યપ્રદેશ – ૮ બેઠક મહારાષ્ટ્ર- ૧૧ બેઠક ઉત્તરપ્રદેશ- ૧૦ બેઠક, પશ્ચિમ બંગાળ- ૪ બેઠક જમ્મૂ કશ્મીર- ૧ બેઠક પર મતદાન થયું હતું.

મતદાનના ત્રીજા તબક્કામાં મતદારોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, એનસીપી (એસપી)ના નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની પત્ની સુનેત્રા પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સહિતના દિગ્ગજોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે. એ યાદ રહે કે ચૂંટણી પંચે દેશમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. અગાઉ પ્રથમ બે તબક્કામાં મતદાન થયું હતું ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનમાં ૬૬.૧૪ ટકા અને ૨૬ એપ્રિલે બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા મતદાન થયું હતું.જયારે આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયુ હતું ત્રીજા તબક્કામાં સરેરાશ ૬૨ ટકા મતદાન થયું છે.આસામમાં સૌથી વધુ ૭૪.૮૯ ટકા,બિહારમાં ૫૬.૧૦ ટકા. છત્તીસગઢમાં ૬૬. ૮૭ ટકા,દાદરા અને નગર હવેલી અને દમણમાં ૬૫.૨૩ ટકા, ગોવામાં ૭૨.૫૨ ટકા, ગુજરાતમાં ૫૫.૨૨ ટકા કર્ણાટકમાં ૬૬.૦૫ ટકા મધ્યપ્રદેશમાં ૬૨.૨૮ ટકા, મહારાષ્ટ્રમાં ૫૩.૪૦ ટકા, ઉત્તરપ્રદેશમાં ૫૫.૧૩ ટકા અને પશ્ર્ચિમ બંગાળમાં ૭૩.૯૩ ટકા મતદાન થયું છે.

એક તરફ જ્યાં લોક્સભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યોની ૯૩ સીટો પર મતદાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના માલદામાં એક પોલિંગ બૂથ પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ ઘટના ઉત્તર માલદા લોક્સભા મતવિસ્તારના રતુઆમાં બની હતી. અહીં બદમાશોએ એક મતદાન મથક પાસે દેશી બનાવટનો બોમ્બ ફેંક્યો હતો. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી.પશ્ચિમ બંગાળના મુશદાબાદમાં મતદાન દરમિયાન કોંગ્રેસના એક નેતાના ઘર પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ દરમિયાન મુર્શિદાબાદ જિલ્લાની જાંગીપુર લોક્સભા સીટ પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યર્ક્તાઓ એકબીજા સાથે અથડાયા હતાં.જોકે પોલીસે મામલો શાંત પાડયો હતો

ઉત્તર પ્રદેશમાં ૧૦ બેઠકો પર મતદાન થયું છે યુપીના સંભલમાં સાંજે ૫ વાગ્યા સુધી ૬૧.૧ ટકા મતદાન,બરેલીમાં ૫૪.૩૫ ટકા,ફતેહપુર સીકરી લોક્સભા ક્ષેત્રમાં ચૂંટણીની નિષ્પક્ષતા બરબાદ થઈ ગઈ. બેલેટ યુનિટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. બીજેપી કાર્યકર મોબાઈલ લઈને બૂથની અંદર પહોંચી ગયો. મતદાન કરતી વખતે, બેલેટ યુનિટનો ફોટો લેવામાં આવ્યો અને પછી વાયરલ કરવામાં આવ્યો.બિહારની પાંચ લોક્સભા મતવિસ્તાર – ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા અને ખાગરિયાના ૯૮.૬ લાખ મતદારોમાંથી લગભગ ૪૬.૬૯ ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભારે ગરમી હોવા છતાં મતદારોએ મતદાનમાં ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. પ્રથમવાર મતદાન કરી રહેલા યુવાનોમાં જોશ જોવા મળ્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મતદાન થયું હતું જયારે શહેરી વિસ્તારોમાં મતદાન ધીમુ રહ્યું હતું. સવારે કેટલાક મતદાન મથકો પર લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી જયારે બપોરના સમયે મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યાં હતાં. જોકે સાંજના સમયે ફરી મતદાનમાં વેગ આવ્યો હતો.ત્રીજા તબક્કામાં વૃદ્ધોએ પણ મતદાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાંધીનગરની બેઠક પર મતદાન કર્યું હતુંં.મોદીએ રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કુલમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ તમામ મતદારોને ભારે મતદાન કરવાની અપીલ કરી હતી આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી ,રાજયપાલ આનંદીબેન પટેલ સહિતના નેતાઓએ સવારે જ પોતાનું મતદાન પુરૂ કર્યું હતું.