૨૯ હજાર કરોડનો પ્રોજેક્ટ, ૧૦ લાખને મળશે રોજગાર, મોદી કેબિનેટનો નિર્ણય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ ૧૨ ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ પ્રોજેક્ટ માટે રૂ. ૨૮,૬૦૨ કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટથી ૧૦ લાખ લોકોને રોજગાર મળશે.

કેબિનેટની બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં કેબિનેટે ૨ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આજે કેબિનેટે ૧૨ નવા ઔદ્યોગિક સ્માર્ટ કોરિડોરને મંજૂરી આપી છે. આનાથી ૧૦ રાજ્યોમાં લગભગ ૧૦ લાખ નોકરીઓનું સર્જન થશે. સ્માર્ટ કોરિડોર તૈયાર કરવા માટે રૂ. ૨૮,૬૦૨ કરોડનો ખર્ચ થશે.

કેબિનેટની બેઠક બાદ વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અયક્ષ જેપી નડ્ડા વચ્ચે પણ એક અલગ બેઠક યોજાઈ હતી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં ૧૨ ઔદ્યોગિક પાર્કને મંજૂરી મળી શકે છે. લગભગ ૨૯ હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ છે. આ ઔદ્યોગિક પાર્ક ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર સહિત ૧૦ રાજ્યોમાં બનાવવામાં આવશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે ૧૨ ઔદ્યોગિક સ્માર્ટ સિટીના નિર્માણને મંજૂરી આપી છે. તેના પર ૨૮,૬૦૨ કરોડ રૂપિયાનું રોકાણ થશે. સૂચિત ૧૨ ઔદ્યોગિક સ્માર્ટ સિટી દ્વારા રૂ. ૧.૫૨ લાખ કરોડના રોકાણની તકો ઉભી થશે.