
નવીદિલ્હી,
આતંકવાદના આરોપમાં ધરપકડ કરી લેવાયેલા પત્રકાર સિદ્દીક કપ્પનને આજે જેલથી મુક્ત કરાયો. બે કેસમાં જામીન મળ્યાના એક મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ લખનઉની એક વિશેષ કોર્ટે આજે તેમની મુક્તિના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમના વકીલે કહ્યું કે તમામ ઔપચારિક્તાઓ પૂર્ણ કરી લેવાઈ છે પણ મુક્તિના આદેશ સમયસર જેલ પહોંચ્યા નહોતા અને એટલા માટે જ હવે તેઓ આજે જેલથી બહાર આવ્યા.હાથરસમાં બનેલી સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાનો રિપોટગ કરવા જતી વખતે ધરપકડ કરાઈ હતી.

અગાઉ સિદ્દીક કપ્પનને ૧ ફેબ્રુઆરીના રોજ મુક્ત કરવાનો હતો પણ વિશેષ કોર્ટના જજ બાર કાઉન્સિલની ચૂંટણીમાં વ્યસ્ત હતા. ઉલ્લેખનીય છે કે સિદ્દીક કપ્પનની ઓક્ટોબર ૨૦૨૧માં ધરપકડ કરાઈ હતી. તે હાથરસમાં બનેલી સામૂહિક દુષ્કર્મ અને અનુસૂચિત જાતિની ૨૦ વર્ષીય છોકરીના મોતનું રિપોર્ટિંગ કરવા જઈ રહ્યો હતો. પોલીસે સિદ્દીક કપ્પન પર અશાંતિ ફેલાવવા, દેશદ્રોહ અને યુએપીએ એક્ટ હેઠળ આરોપો મૂક્યા હતા.