૨૮ દિવસમાં ત્રણ દેશોમાં રમશે ૧૧ મેચ ત્યારબાદ એશિયા કપ માટે લંકા રવાના થશે

નવીદિલ્હી, ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ પહેલાંના પોતાના ’મીશન’ માટે તૈયાર થઈ ચૂકી છે. ભારતે આગલા મહિને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જવાનું છે જ્યાં ૧૨ જૂલાઈથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આ પછી ૨૭ જૂલાઈથી ત્રણ મેચની વન-ડે શ્રેણી અને ત્યારબાદ ત્રણ ઑગસ્ટથી પાંચ મેચની ટી-૨૦ શ્રેણી રમાશે. ટી-૨૦ના અંતિમ બે મુકાબલા અમેરિકામાં રમાવાના છે.

આ પછી ટીમ ઈન્ડિયા સીધી આયર્લેન્ડના પ્રવાસે જશે જ્યાં ૧૮થી ૨૩ ઑગસ્ટ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમાશે. હવે વિન્ડિઝ વિરુદ્ધ વન-ડે અને ટી-૨૦ શ્રેણી બાદ આયર્લેન્ડ પ્રવાસની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓએ ૨૮ દિવસમાં ત્રણ દેશોમાં ૧૧ મુકાબલા રમવાના છે મતલબ કે એક મેચમાં ત્રણ દિવસનો પણ ગેપ નથી. વર્કપલોડને કારણે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વિન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાંથી ખુદને અલગ કરી લીધો હતો.

તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં હાર મળી હતી ત્યારે કહેવાયું હતું કે આઈપીએલમાં રમવાને કારણે ખેલાડીઓ થાક્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઑક્ટોબર-નવેમ્બરમાં ઘરમાં જ વર્લ્ડકપ રમવાનો છે આવામાં શ્રેણી દરમિયાન ખેલાડીઓના વર્કલોડ ઉપર ધ્યાન આપવું પડશે. વિન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ અને વન-ડે શ્રેણી માટેટીમ જાહેર થઈ ચૂકી છે. ટી-૨૦ ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી.

૨૩ ઑગસ્ટે આયર્લેન્ડનો પ્રવાસ પૂર્ણ થશે. જ્યારે ૩૧ ઑગસ્ટથી એશિયા કપ રમાવાનો છે. આ માટે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા જવાનું છે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ઉતરી રહી છે. પ્રારંભીક ચાર મુકાબલા પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. ફાઈનલ પણ શ્રીલંકામાં જ રમાવાનો છે. જો કે હજુ સુધી આ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.

વર્લ્ડકપ અને વર્કલોડને ધ્યાનમાં રાખી સીનિયર ખેલાડીઓને ટી-૨૦ શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. જો કે હાર્દિક પંડ્યા, શુભમન ગીલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ સહિત અનેક ખેલાડી ટી-૨૦ શ્રેણીમાં પણ ઉતરશે. આ ખેલાડી વર્લ્ડકપ ટીમનો પણ હિસ્સો બનવાની રેસમાં સૌથી આગળ છે. ટીમ ઈન્ડિયા ૨૦૧૩ બાદથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી તે વાત પણ નોંધવી રહી.