કોચ્ચી, કેરળમાં ઓલિયંડર એટલે કે કરેણનું ફુલ અત્યારે ખૂબ ચર્ચામાં છે. કેમ કે કેરળની સરકારે કરેણના ફૂલ મંદિરમાં ચઢાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના નિયંત્રણમાં આવતા ૨૫૦૦થી વધુ મંદિરોમાં તેની પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એવામાં આ નિર્ણય લેવા પાછળનું કારણ શું છે ચાલો એ જાણીએ. ગત ૩૦ એપ્રિલે કેરળમાં એક ૨૪ વર્ષની નર્સ સૂર્યા સુરેન્દ્રનનું મોત થયું હતું. જેની તપાસમાં સામે આવ્યું કે, તેનું મોત ઓલિયંડરના ઝેરથી થયું છે. તેની બ્રિટનમાં નોકરી લાગી હતી તે ૨૮મી એપ્રિલે બ્રિટન જવાની હતી, તે દિવસે સવારે કોઈની સાથે ફોનમાં વાત કરતા દરમિયાન ઘરે લાગેલ ઓલિયંડરના ફૂલ ભૂલથી ખાઈ લીધા હતા. બાદમાં તેને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઊલ્ટીઓ થઈ, તે દિવસે કોચ્ચિ એરપોર્ટ પર ઢળી પડી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને પૂછ્યું હતું કે શું ખાધું હતું ત્યારે તેને ઓલિયંડર વિશે માહિતી આપી હતી. બે દિવસની સારવાર બાદ તેનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોસ્ટમોર્ટમમાં જાણ થઇ હતી કે, ઓલિયંડરના ઝેરના કારણે તેનું મૃત્યુ થયું છે. જેથી કેરળ સરકારે ફૂલ પર મંદિરમાં પ્રતિબંધ લગાવ્યો છે.
ઓલિયંડરને કરેણ પણ કહેવાય છે. તે ઉષ્ણકટિબંધિય અને ઉપોષ્ણકટિબંધિય વિસ્તારમાં ઉગે છે. ભારતભર દરેક જગ્યાએ આ છોડ ઉગે છે. તે શુષ્ક માહોલમાં પણ આ છોડ સર્વાઈવ કરી લે છે. કેરળમાં તે રાજમાર્ગો અને સમુદ્ર તટ પર મોટી સંખ્યામાં જોવા મળે છે. લોકો ઘરે પણ તેને ઉગાડે છે. તેના અલગ અલગ પ્રકાર હોય છે જેના ફૂલ પણ અલગ કલરના હોય છે.
ઓલિયંડરમાં ઔષધીના ગુણો હોય છે. તેના મૂળ, છાલમાંથી નીકળેલા તેલથી ત્વચાના રોગ મટે છે. ઓલિયંડરનો ઉલ્લેખ ચરક સંહિતા, નિઘંટસ જિક્ર બૃહત્રયી જેવા ગ્રંથોમાં પણ મળે છે. કુષ્ટ રોગમાં પણ તે ઉપયોગી સાબિત થઇ શકે છે. તે વાયુ પ્રદૂષણ રોક્તું હોવાથી તેને રોડની સાઈડમાં લગાવવામાં આવે છે.
ઓલિયંડરમાં ઔષધીના ગુણો હોવા છતાં તેનાથી ચેતવાની જરૂર પણ છે, દક્ષિણ એશિયામાં તેનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે પણ થાય છે. ઓલિયંડરને સળગાવાથી તેમાંથી જે ધુમાડો નીકળે તે ખૂબ ઝેરીલો હોય છે. આ છોડના ફૂલ, પત્તાના સેવનથી ઉલ્ટી, ચક્કર, ઝાડા આવવા જેવી મુશ્કેલી થઈ શકે છે.ઓલિયંડરની સાઈડ ઈફેક્ટ ત્રણ દિવસ સુધી રહી શકે છે. આ સિવાય ઓલિયંડરના સેવનથી હાર્ટ અટેક પણ આવી શકે છે.