૨૫૦ ગ્રામ સોનાના નકલી દાગીના મૂકી ૨ મહિલા સહિત ત્રણની રૂ ૬.૭૮ લાખની ઠગાઇ

વડોદરા,

મુથૂટ ફાઇનાન્સની ગોત્રી શાખામાં સોનાના બનાવટી આભૂષણો ગીરવે મૂકી ૬.૭૮ લાખ ઉપરાંતની ૧૦ ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરનાર બે મહિલા સહિત ત્રણ ગ્રાહકો વિરુદ્ધ બ્રાન્ચ મેનેજરે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઉંડેરા ખાતે રહેતા ચિંતનભાઈ પટેલ મુથૂટ ફાઇનાન્સની ગોત્રી શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે.

તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગ્રાહક સોનલ સુરેશભાઈ જાદવ (રહે-સદગુરુ કોમ્પ્લેક્સ, ગોત્રી)એ ૨૧.૫ ગ્રામની સોનાની ચેન ગીરવે મૂકી ૪૭ હજાર, ૨૪ ગ્રામનો સોનાનો હાર તથા સોનાની બુટ્ટી ઉપર ૫૨ હજાર અને ૨૯ ગ્રામની સોનાની માળા ઉપર ૬૫ હજારની ગોલ્ડ લોન લીધી હતી. જયારે જીગ્નેશ નવનીતલાલ સોની (રહે-ગાયત્રી ટાઉનશીપ, રણોલી ) ૨૧ ગ્રામ સોનાની માળા ઉપર ૪૪ હજાર, ૨૪ ગ્રામ સોનાની ચેન ઉપર ૫૪ હજાર, ૧૧.૫ ગ્રામ સોનાની લકી ઉપર ૨૬ હજાર, ૨૯ ગ્રામ સોનાની ચેન ઉપર ૬૫ હજાર, ૧૮ ગ્રામ સોનાના બ્રેસલેટ ઉપર ૪૦ હજારની ગોલ્ડ લોન લીધી હતી.

આ ઉપરાંત નીલમ ચેતનભાઇ વરિયા (રહે-શ્રી ટી એક્ધલેવ, ગોત્રી)એ ૪૫.૫૦ ગ્રામની સોનાની લકી અને ચેન ઉપર ૧.૪૭ લાખ, ૪૨ ગ્રામ સોનાના હાર અને બુટ્ટી ઉપર ૧.૩૫ લાખની ગોલ્ડ લોન લીધી હતી. ત્રણેય ગ્રાહકોને લોનનો સમયગાળો પૂર્ણ થયા બાદ વ્યાજ અંગેની નોટિસો પાઠવી હતી. પરંતુ ગ્રાહક તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

ઓડિટ દરમિયાન ઉપરોક્ત ત્રણેય ગ્રાહકોના આભૂષણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. ગ્રાહકોએ કંપની પાસેથી ૧૦ લોન પેટે કુલ રૂ.૬,૭૮,૫૫૨ રકમ મેળવી છેતરપિંડી આચરી હતી. આરબીઆઈના નિયમ મુજબ દાગીનાની ચકાસણી કરી હતી. પરંતુ દાગીનાની બનાવટના કારણે ટેસ્ટ મુશ્કેલ બન્યો હતો. બનાવટી દાગીના ઉપર સોનાની વરખથી જાડું પડ તૈયાર કરવામાં આવ્યું હતું. ગોત્રી પોલીસે આ સંબંધમાં તપાસ હાથ ધરી છે.

બે મહિલા સહિત ત્રણેવ આરોપીઓએ લોન લેવા માટે ૨૫૦ ગ્રામ સોનું મુથુટ ફાઈનાન્સમાં મુકયુ હતુ ,ત્રણેવ આરોપીઓએ લોનનું વ્યાજ નહી ભરતાં નોટીસ અપાઈ હતી નોટીસનો જવાબ નહી મળતાં લોન પેટે મુકેલું સોનું ચેક કરાવાતાં ૨૫૦ ગ્રામ સોનું પૈકી માત્ર ૨૪.૭૨ ગ્રામ સોનું જ અસલ હોવાનું સપાટી પર આવ્યું હતું.

બે મહિના પહેલા આરોપી જીજ્ઞેશ સોની સામે નકલી સોનું પધરાવી લોન લઇ ફરાર થવાના કિસ્સામાં કંપનીના સતાધીશોએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી. જો કે જીજ્ઞેશ સોની ફરાર થઇ ગયો હોવાનું સપાટી પર આવ્યું હતું.