25 થી 29 ડિસેમ્બર ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ પંચમહોત્સવ

  • 25 તારીખના ઐશ્વર્યા મજમુદાર, 26ના પાર્થિવ ગોહિલ,27ના આદિત્ય ગઢવી, 28ના રાજભા ગઢવી તો તા.29ના રોજ કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરશે.

ગોધરા,પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

ચાલુ વર્ષે તારીખ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન વડા તળાવ, તાલુકો હાલોલ ખાતે કરાશે.આ પાંચ દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં હેરિટેજ વોક, પેઈન્ટીંગ વર્કશોપ, અમ્યુઝમેન્ટ પાર્ક, ક્રાફ્ટ બજાર, સ્ટોલ, ટેન્ટ સિટી, ટ્રાઈબલ ફુડ, સાઇકલ યાત્રા, ફોટોગ્રાફી સ્પર્ધા તથા દરરોજ સાંજે સંગીત સંધ્યા રજુ કરાશે.

ગુજરાતના પ્રખ્યાત કલાકારો પૈકી તા.25 ડિસેમ્બરના રોજ ઐશ્વર્યા મજમુદાર સંગીત સંધ્યા રજૂ કરશે.ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે અનેક ગીતો ગાયા છે. તેઓ અંતાક્ષરી-ધ ગ્રેટ ચેલેન્જમાં પણ જોવા મળ્યા હતા. તેમને વર્ષ 2008માં અમુલ સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા સ્પર્ધામાં અમિતાભ બચ્ચનના વરદ હસ્તે “છોટે ઉસ્તાદ”એવોર્ડ મળ્યો હતો. 2006માં “શાહુ મોદક એવોર્ડ,2009માં “સંગીત રત્ન”પણ એનાયત કરાયો હતો. તા.26 ડિસેમ્બરના રોજ પાર્થિવ ગોહિલ સંગીત સંધ્યા રજૂ કરશે.તેઓ ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા કલાકાર છે.

તા.27 ડિસેમ્બરના રોજ ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી આવતા પાર્શ્ર્વગાયક અને ગીતકાર આદિત્ય ગઢવી સંગીત સંધ્યા રજૂ કરશે. તેમણે ગુજરાતી ઉપરાંત ઘણી અન્ય ભાષાઓમાં પણ ખૂબ પ્રસિદ્ધ ગીતો આપ્યાં છે. તેઓ ગુજરાતી ચલચિત્રોની સાથે તેમના લોકપ્રિય ગીત એવા ખલાસી (ગોતી લો…) અને ગુજરાત ટાઇટન્સ ટિમ માટે ગાયેલું આવવા દેપ્રખ્યાત બન્યા હતા. તા.28 ડિસેમ્બરના રોજ પંચમહોત્સવમાં લોક સાહિત્ય અને ડાયરાને લીધે ફેમસ થયેલા રાજભા ગઢવી પોતાની આગવી શૈલીમાં સંગીત સંધ્યા રજૂ કરશે. તા.29 ડિસેમ્બરના રોજ લોકપ્રિય કલાકાર કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરશે.