૨૫ મેએ બોર્ડના ધોરણ-૧૦નું પરિણામ થશે જાહેર

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ ૧૦નું પરિણામ ૨૫ મેના રોજ સવારે ૮ વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના ૮ વાગ્યાથી વિદ્યાર્થીઓ જીએસઇબીની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ ૧૦ના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. બે દિવસ બાદ એટલે કે ૨૫ મેના રોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુરુવારે સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ ૧૨નું પરિણામ પણ ૩૦ તારીખની આસપાસ જાહેર થઈ શકે છે.

વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને જીઇ નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ એસએસસી સ્પેસ રોલ નંબર લખીને ૫૬૨૬૩ પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨ મે ૨૦૨૩ના રોજ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૨ સાયન્સનું ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો ૮૩.૨૨ ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું ૯૦.૪૧ ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું ૨૨ ટકા આવ્યું હતું. તો રાજ્યની ૨૭ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં ૭૬ શાળાઓનું પરિણામ ૧૦%થી ઓછું આવ્યું હતું.

રાજ્યમાં ૬૧ વિદ્યાર્થીઓને એ૧ ગ્રેડ મળ્યો હતો. તો રાજ્યમાં ૧૫૨૩ વિદ્યાર્થીઓને એ૨ ગ્રેડ મળ્યો હતો. અગ્રેજી માધ્યમનું ૬૭.૧૮% પરિણામ આવ્યું હતું. ગુજરાતી માધ્યમનું ૬૫.૩૨% પરિણામ આવ્યું હતું. એ ગ્રુપના ઉમેદવારોનું ૭૨.૨૭% પરિણામ આવ્યું હતું. જ્યારે બી ગ્રુપના ઉમેદવારોનું ૬૧.૭૧% અને એબી ગ્રુપના ઉમેદવારોનું ૫૮.૬૨% પરિણામ આવ્યું હતું.