
મુંબઇ, વર્લ્ડ કપ ૨૦૨૩એ તેની અડધી યાત્રા પુરી કરી લીધી છે જ્યારે બાકીનો અડધો ભાગ કવર કરવાનો બાકી છે. ૨૪ મેચ બાદ સમીકરણો એવા બની રહ્યા છે કે પહેલેથી જ ૪ ટીમોનું ગણિત બગડતું જોવા મળી રહ્યું છે. આ ૪ ટીમોએ ઘણા મોટા અપસેટ કરવા પડશે, તો જ તેઓ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકશે, નહીંતર બહાર થવાનો એકમાત્ર વિકલ્પ બચશે. ટોપ-૪ એટલે કે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમનું ગણિત લગભગ સ્પષ્ટ છે. ચાલો તમને આખું સમીકરણ સમજાવીએ.
નેધરલેન્ડની ટીમ આ વર્લ્ડ કપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમની ૫ મેચમાં માત્ર ૧ જીત સાથે ૨ પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આગામી મેચો ભારત, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે થશે. આ તમામ મેચ જીતવી એ એક ચમત્કાર જ કહી શકાય. આંકડા આ વાતની બિલકુલ સાક્ષી આપતા નથી. આ પછી બાંગ્લાદેશમાં પણ સ્થિતિ અસ્થિર જોવા મળી રહી છે. ૫ મેચમાં માત્ર એક જ જીત. હવે પછીની મેચો પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સાથે છે. આ ત્રણેયમાં વિજય નોંધાવવો ઘણો મુશ્કેલ છે. નેધરલેન્ડ સામેની મેચ જીત્યા પછી પણ અન્ય ટીમોના પ્રદર્શનના આધારે તકો સર્જાઈ શકે છે. પરંતુ ચારેય મેચ જીતવી આસાન નહીં હોય.
શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો માટે સેમિફાઇનલમાં ક્વોલિફાય થવું ઘણું મુશ્કેલ છે. જોકે અફઘાનિસ્તાનની ટીમ ૫ મેચમાં ૪ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. પરંતુ આવનારી મેચો કપરી બનવાની છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથે સ્પર્ધા થશે. ટીમ નેધરલેન્ડ સામે વિજય નોંધાવી શકે છે. પરંતુ એકલા આ જીત પર્યાપ્ત નથી. શ્રીલંકા પાસે ચોક્કસપણે તક છે, પરંતુ ટીમે આગામી પાંચેય મેચો જીતવી પડશે. શ્રીલંકાની ટીમ આ વખતે લયમાં જોવા મળી નથી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ, ભારત, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે જીતવું આસાન નહીં હોય.
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચથી માત્ર ૨ ડગલાં દૂર છે. ટીમના ૧૦ પોઈન્ટ છે. આવનારી ૪ મેચમાં માત્ર ૨ મેચ જીતવી પડશે અને ૧૪ પોઈન્ટ સાથે ભારતને સેમીફાઈનલની ટિકિટ મળશે. આગામી મેચો નેધરલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ સાથે જ ન્યુઝીલેન્ડના ૮ પોઈન્ટ છે. ટીમ પાસે હજુ ૪ મેચ રમવાની છે જેમાં તેનો મુકાબલો પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે થશે. જો કે, આ ચારેય ટીમો કિવીઓને હરાવવાની તાકાત ધરાવે છે, પરંતુ ન્યુઝીલેન્ડ જે ફોર્મમાં ચાલી રહ્યું છે તે જોતા. તેની સામે ખૂબ જ કઠિન પડકાર રજૂ કરવો પડશે.
દક્ષિણ આફ્રિકાએ ટૂર્નામેન્ટમાં પોતાની અલગ સ્ટાઈલ બતાવી છે. નેધરલેન્ડ સામેની મેચને બાજુ પર રાખીને ટીમના ખેલાડીઓએ અત્યંત ઘાતક પ્રદર્શન કર્યું છે. આફ્રિકાના ૫ મેચમાંથી ૮ પોઈન્ટ છે અને તેણે સીધા ક્વોલિફાઇ થવા માટે વધુ ૩ મેચ જીતવી પડશે. હવે પછીની મેચો પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમાવાની છે, જેમાંથી ટીમ બે મેચ સરળતાથી જીતી શકશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. જો આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આગામી ત્રણ-ત્રણ મેચ જીતે તો તેઓ ક્વોલિફાઇ થઈ શકે છે.
પાકિસ્તાનના અત્યાર સુધી રમાયેલી ૫ મેચમાં ૪ પોઈન્ટ છે. ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ છે. હવે પછીની મેચો દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ઘાતક ટીમો સામે છે. જો ટીમ બાકીની ચારમાંથી એક મેચ પણ હારે છે તો આ ટૂર્નામેન્ટની સફર લગભગ અહીં જ સમાપ્ત થઈ જશે. ઇંગ્લેન્ડની પણ આવી જ હાલત છે. તેના માટે પણ હારનો કોઈ અવકાશ નથી. ટીમના ૫ મેચમાં માત્ર ૨ પોઈન્ટ છે.