છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં ત્રણ મોટા હુમલા થયા છે. ગઈ કાલે ન્યૂ ઓર્લિયન્સમાં ન્યૂ યર સેલિબ્રેશન કરવા ભેગા થયેલા લોકો ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા, જેમાં 15નાં મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તેના થોડા જ કલાકો પછી લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઈન્ટરનેશનલ હોટલની બહાર ટેસ્લાના સાયબર ટ્રકમાં બ્લાસ્ટ થયો, જેમાં 1નું મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બની જેની થોડી વાર પછી વધુ એક મોટા હુમલાના સમાચાર આવતા જ અમેરિકા ધ્રૂજી ઉઠ્યું છે. ન્યૂયોર્કમાં એક નાઇટ ક્લબમાં માસ ફાયરિંગ થયું છે, જેમાં 11 લોકોને ગોળી વાગી છે.
અમેરિકામાં 24 કલાકમાં બેક-ટુ-બેક હુમલા થતા આ ઘટનાઓ પાછળ આતંકવાદી કનેક્શન છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
વિગતવાર જોઈએ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં થયેલા 3 મોટા હુમલા વિશે….
ન્યૂયર સેલિબ્રેટ કરી રહેલા લોકોને ટ્રકે કચડ્યા, 15નાં મોત 1 જાન્યુઆરીએ અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચડાવી દીધી હતી. આમાં 15ના મોત થયા હતા, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે બની હતી. આ સમયે ન્યૂ ઓર્લિયન્સમાં રાતના 3:15 વાગ્યા હતા. શહેરની સૌથી વ્યસ્ત બોર્બન સ્ટ્રીટ પર હજારો લોકો ઉજવણી કરી રહ્યા હતા. અચાનક એક વાહન ભીડને કચડીને આગળ વધ્યું.આ પછી હુમલાખોર પીકઅપ ટ્રકમાંથી બહાર આવ્યો અને લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધી. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં હુમલાખોર માર્યો ગયો. આમાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
પીકઅપમાંથી ISISનો ઝંડો, હથિયારો અને IED મળી આવ્યા હુમલાખોરની ઓળખ શમસુદ્દીન જબ્બાર (42) તરીકે થઈ છે. તપાસ એજન્સીઓએ જણાવ્યું કે જબ્બાર ટેક્સાસ રાજ્યનો રહેવાસી હતો અને તેણે 2007થી 2020 સુધી યુએસ આર્મીમાં સેવા આપી હતી. સેનાએ તેને અફઘાનિસ્તાનમાં પણ તૈનાત કર્યો હતો.
જબ્બારે ટ્રક હુમલા પહેલા અનેક વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા. એક વીડિયોમાં તેણે પોતાના પરિવારને મારી નાખવાની વાત કરી હતી. આ સિવાય તે ઈચ્છતો હતો કે તેનો પરિવાર આ હુમલાને કવર કરવા માટે અકસ્માત સ્થળે હાજર રહે.
એફબીઆઈ એજન્ટ એલેથિયા ડંકન કહે છે કે જબ્બારે કદાચ એકલાએ આ કામ ન હતું કર્યું. દરમિયાન પોલીસ અધિક્ષક એની કિર્કપેટ્રિકે જબ્બારને આતંકવાદી ગણાવ્યો હતો.
એબીસી ન્યૂઝે પોલીસ પ્રવક્તાને ટાંકીને કહ્યું કે એવું લાગે છે કે હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો. પીકઅપ ટ્રકમાંથી ઈસ્લામિક સ્ટેટનો ઝંડો, હથિયારો અને IED મળી આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ટેસ્લાની ગાડીમાં વિસ્ફોટ અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર બુધવારે સવારે સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસ અને એફબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાડીનો પ્રકાર અને આગનું સ્થાન ઘણા સવાલ ઊભા કરે છે.
પહેલા ધુમાડો નીકળ્યો અને પછી મોટો વિસ્ફોટ થયો મેકમેહિલે જણાવ્યું હતું કે સાયબરટ્રક હોટલની બહાર હતી. ‘અમે જોયું કે વાહનમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને પછી સાયબરટ્રકમાં મોટો વિસ્ફોટ થયો.’ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં, એક વ્યક્તિએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે તે હોટલની સામે હાજર હતા, જેમાં સંપૂર્ણ રીતે બળી ગયેલી સાયબરટ્રક દેખાય છે.
આ મામલે ઈલોન મસ્કએ X પર એક પછી એક ઘણી પોસ્ટ કરી છે અને કહ્યું છે કે આજ સુધી કોઈ સાયબરટ્રક સાથે આવું કંઈ થયું નથી અને તેમની કંપનીની સિનિયર ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ સાથે મસ્કે તેને આતંકવાદી હુમલો પણ ગણાવ્યો હતો.
ન્યૂયોર્કના ક્લબમાં માસ ફાયરિંગ, 11 લોકોને ગોળી વાગી
ટેસ્લાના સાયબર ટ્રકમાં બ્લાસ્ટના થોડા જ કલાકો પછી ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં એક નાઇટ ક્લબમાં માસ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 11 લોકોને ગોળી વાગ્યાના સમાચાર મળ્યા છે. આ ગોળીબાર અમેરિકન સમય મુજબ રાત્રે 11.45 કલાકે થયો હતો. આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અનેક યુનિટો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. જો કે, હજુ સુધી ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી. આ નાઇટક્લબને શહેરના સૌથી વધુ હાઈ-એનર્જી નાઈટ સ્પોટ પૈકી એક ગણવામાં આવે છે.
આ ફાયરિંગ કોણે કર્યું અને તેનો ઈરાદો શું હતો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ઓર્લિયન્સમાં ટ્રક હુમલા બાદ જ ગોળીબાર થતા આતંકવાદી એન્ગલની પણ તપાસ કરવામાં આવશે.