- યુક્રેન એરફોર્સે પણ કર્યો દાવો- ૪૭ મિસાઇલ તોડી પાડી.
કીવ,
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન જર્મનીએ ૨૫ જાન્યુઆરીએ પોતાની લેપર્ડ-૨ ટેન્ક યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો છે. એ બાદ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ૨૫-૨૬ જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનનાં શહેરો પર ૫૫ મિસાઈલ ઝીંકી હતી, જેમાં ૧૨ લોકોનાં મોત થયાં હતાં.
યુક્રેન એરફોર્સે દાવો કર્યો છે કે તેણે ૫૫માંથી ૪૭ મિસાઈલોને તોડી પાડી છે. યુક્રેન સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રાજધાની કિવમાં ૨૦ મિસાઇલ પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખેરસોન, હલેવાખા સહિત ૧૧ વિસ્તારમાં મિસાઈલો પડી, જેમાં ૩૫ ઈમારત નષ્ટ થઈ ગઈ. આ દરમિયાન અન્ય ૧૧ લોકો ઘાયલ થયા હતા.રશિયન હુમલા બાદ કિવના ઘણા વિસ્તારોમાં પાવર ફેઇલ થઈ ગયો હતો. એ બાદ વીજ કંપનીના કર્મચારીઓને વીજળી ફરીથી ચાલુ કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કેટલીક રશિયન મિસાઇલો કિવના ઔદ્યોગિક વિસ્તારમાં પડી હતી. આ તસવીરમાં પોલીસકર્મીઓ મૃતદેહને વાહનમાં રાખતા જોઈ શકાય છે.
યુક્રેનનું કહેવું છે કે રશિયા હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે. ૨૬ જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનના ઓડેસા શહેર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન કેટલીક મિસાઈલ ત્યાં બનેલા પાવર પ્લાન્ટ પર પડી હતી. આ મિસાઈલ હુમલામાં પાવર પ્લાન્ટ નષ્ટ થઈ ગયો. ૨૫ જાન્યુઆરીએ જ UNESCOએ આ શહેરને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.UNESCOએ કહ્યું હતું કે એની યુનિવર્સલ વેલ્યુ છે. એને કાળા સમુદ્રનું મોતી પણ કહેવામાં આવે છે. કેનેડાએ શુક્રવારે (૨૭ જાન્યુઆરી) જાહેરાત કરી છે કે તે યુક્રેનને ૪ ટેન્ક આપશે. રક્ષામંત્રી અનિતા આનંદે આ જાણકારી આપી હતી. યુક્રેનને આશા છે કે આ ટેન્કો રશિયા સામેના યુદ્ધમાં ગેમ ચેન્જર સાબિત થશે. બીજી તરફ રશિયાનું કહેવું છે કે આ ટેન્ક પણ બાકીની ટેન્કોની જેમ સળગીને રાખ થઈ જશે.