૨૪ કલાકમાં ૩૦ જિલ્લાના ૧૭૩ તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ ખંભાતમાં ૫ ઈંચ

  • વરસાદી પાણી ભરાવાના કારણે અનેક સ્થળોએ ગરનાળાઓમાં પાણી ભરાતા બંધ થયા છે.

ગાંધીનગર, રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૭૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ આણંદ જિલ્લાના ખંભાતમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તો ખેડાના નડિયાદમાં વરસ્યો સવા ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે અનેક સ્થળોએ ગરનાળાઓમાં પાણી ભરાતા બંધ થયા છે.

ગુજરાતના ૬૬ તાલુકામાં એક ઇંચથી લઇને પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. નવસારીના જલાલપોરમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો અરવલ્લીના મોડાસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર શિહોરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો ૮૭.૪૪ ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ૩૧.૧૪ ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ-મધ્યમાં અત્યાર સુધીમાં ૨૪.૩૬ ટકા વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં ૫૦.૩૪ ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો ૨૭.૦૯ ટકા વરસાદ વરસ્યો છે.

વહેલી સવારે વરસેલા વરસાદની વાત કરીએ તો જૂનાગઢના માણાવદરમાં ૨.૨ ઇંચ વરસાદ વરસ્યો છે. તો સુરતના ચોર્યાસીમાં ૨.૧ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલમાં ૧.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદને કારણે વિલિંગડન ડેમ ઓવરલો થયો છે. વરસાદને કારણે ગિરનાર પર્વત પર લીલોતરી છવાઇ છે. ડેમ આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. વડિયા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. તોરી, અરજણ સુખ, રામપુર, ખીજડિયા, મોરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે સુરવો ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે.