નવીદિલ્હી, તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને તેમને ઇન્સ્યુલિન ન આપવાના વિરોધમાં આમ આદમી પાર્ટીની ડોક્ટર વિંગ અને નેતાઓએ વિરોધ કર્યો. આપ ડૉક્ટર વિંગે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને લોકોને ’જેલનો જવાબ વોટથી’ આપવા જાગૃત કર્યા.
પૂર્વ દિલ્હી લોક્સભા સીટ પરથી આપના ઉમેદવાર કુલદીપ કુમારે કહ્યું કે ભાજપ નિષ્પક્ષ ચૂંટણીઓથી ભાગી રહી છે, તેથી જ તે દિલ્હીના પુત્ર અરવિંદ કેજરીવાલને કોઈપણ પુરાવા અને વસૂલાત વગર જેલમાં પુરી રહી છે. ભાજપે જણાવવું જોઈએ કે શા માટે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે અને તેમને ૨૩ દિવસ સુધી ઈન્સ્યુલિન કેમ આપવામાં આવ્યું નથી?
આપ ઉમેદવારે કહ્યું કે ભાજપ જેલની અંદર અરવિંદ કેજરીવાલને મારવાની કોશિશ કરી રહી છે, દિલ્હીની જનતા તેનો જવાબ વોટથી આપશે. કેજરીવાલે દિલ્હીની જનતાને મફત વીજળી, પાણી, ઉત્તમ સ્વાસ્થ્ય, શિક્ષણ, મહિલાઓને બસની મુસાફરી સહિત અનેક સુવિધાઓ આપી છે.